કચ્છમાં વીજ તંગી વચ્ચે ઉદ્યોગોને ઝટકો, હવે દર શનિવારે ફરજિયાત રજા જેવી સ્થિતિ

રાજ્યમાં વીજળીની માંગ સતત વધી રહી છે, જ્યારે સામે પુરવઠો ઘટતા સંકટ વધુ ઘેરું બન્યું છે. ખરાબ હવામાન અને વરસાદી માહોલના કારણે ઉત્પાદન પર અસર પડી છે, જેની સીધી અસર કચ્છ સહિત અનેક વિસ્તારોના વીજ વિતરણ પર જોવા મળી રહી છે.

આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પીજીવીસીએલએ કચ્છના ઔદ્યોગિક વિસ્તારો માટે એક કડક પગલું ભર્યું છે.

વિભાગની મહત્વપૂર્ણ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે હવેથી કચ્છના તમામ ઉદ્યોગોએ અઠવાડિયામાં એક દિવસ વીજ વપરાશ બંધ રાખવો પડશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, દર શનિવારના દિવસે ઉદ્યોગોમાં વીજળીનો ઉપયોગ નહીં કરી શકાય. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વીજળીની બચત કરવાનો અને ઘર વપરાશ તથા જરૂરી સેવાઓમાં વીજ પુરવઠો જળવાઈ રહે તે જોવાનો છે.

આ જાહેરાત બાદ નાના-મોટા ઉદ્યોગકારોએ પોતાના પ્રોડક્શન શેડ્યુલમાં ફેરફાર કરવો પડશે. હાલ પૂરતું આ નિયમ કેટલા અઠવાડિયા સુધી ચાલુ રહેશે અને શનિવારે આખો દિવસ લાઇટ બંધ રહેશે કે અમુક કલાક પૂરતો કાપ રહેશે, તે અંગે કંપની તરફથી વિગતવાર સ્પષ્ટતા આવવાની બાકી છે.