ચૂંટણી પહેલા આટકોટમાંથી પકડાયો 3.7 લાખનો દારૂ, એક ની અટક

રાજકોટ : લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે આટકોટમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબને મળેલ બાતમીના આધારે તેમના સ્ટાફે દરોડા પાડ્યા હતા. જેમાં જસદણ તાલુકાના આટકોટ ગામેથી 1236 બોટલ દારૂ ઝડપાયો છે. ભારતીય બનાવટની વિદેશી વ્હિસ્કી બ્લુ મૂનની કુલ 16 પેટી અને પાર્ટી સ્પેશિયલ કુલ 103 પેટી મળીને કુલ 1236 નંગ બોટલ પકડાઈ છે. આટકોટ પોલીસે જણાવ્યા મુજબ આ દારૂની કુલ કિંમત 3,70,800 રૂપિયા થાય છે. વિરનગરના હનુભાઈ દિલીપભાઈ વાળાની આ અંગે અટક કરી લેવામાં આવી છે. આટકોટ વિસ્તારમાં રાત્રના અરસામાં પેટ્રોલિંગ કરતી વખતે મળેલ હકીકતના આધારે ઈસમની પોલીસે અટક કરી લીધી છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા, પોલીસ સબ ઈન્સપેક્ટર એચ.એ. જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશ બોદર, પોલીસ કોન્સ્ટેબલ બાલકૃષ્ણ ત્રિવેદી સહિતના સ્ટાફે આ તપાસ પાર પાડી હતી. ઈસમની અટક કરી પોલીસે વધુ તપાસ આગળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડ્રાયસ્ટેટ હોવા છતાં ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનું સેવન સૌથી વધુ થાય છે. પ્રોહિબિશન એક્ટ વધુ કડક થયા બાદ ઈસમને 10 વર્ષ સુધીની સજા મળી શકે છે. અમદાવાદ અને રાજકોટમાં આવા પ્રકારના બનાવ અવારનવાર બનતા હોય છે.