પરીક્ષાર્થીઓને પ્રેરણા:ઝઘડિયાના ભાવેશનો અકસ્માતમાં હાથ તૂટ્યો પણ હિંમત નહિ, લહિયાની મદદથી ગણિતનું પેપર આપ્યું
હાલમાં ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે અનેક વિદ્યાર્થીઓ પેપર તથા પરિણામને લઇ નાસીપાસ થયેલાં છે પણ ધોરણ ૧૦ના ગણિતના પ્રશ્નપત્ર વખતે બે એવા કિસ્સા સામે આવ્યાં હતાં કે જે ખરેખર પ્રેરણાદાયી હતા. ઝઘડિયા તાલુકાના સરકારી માધ્યમિક શાળા મોટા સોરવાનો વિદ્યાર્થી વસાવા ભાવેશ જેઓને અકસ્માત નડતા હાથમાં ફ્રેક્ચર થયું હતું. જેની રજૂઆત શાળાના આચાર્યને કરવામાં આવી હતી.
જેથી આચાર્ય દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવતા તેઓએ અંકલેશ્વર ઝોન ૮૦ ના અધિકારીને તાત્કાલિક લહિયાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. તેથી દરિયા કેન્દ્ર નંબર ૬૧૨૬ ના સ્થળ સંચાલક દ્વારા વિદ્યાર્થી માટે જરૂરી આધાર પુરાવા તપાસી તાત્કાલિક ધોરણે લહિયાની વ્યવસ્થા કરી આપવામાં આવતા વિદ્યાર્થીએ ગણિતની પરીક્ષા પૂર્ણ કરી હતી.
બીજા કિસ્સાની વાત કરવામાં આવે તો જંબુસરની એચ.એસ શાહ હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીનીને પરીક્ષા દરમિયાન અચાનક વોમિટીંગ શરૂ થતા જિલ્લા શિક્ષણ અધિકારી અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીનીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી, પણ તબિયતમાં સુધારો નહીં જણાતા નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ઇન્જેક્શન આપતા તબિયતમાં સુધારો આવતા વિદ્યાર્થીનીએ હિંમત બતાવી તબિયત લથડી છતાં ગણિતની પરીક્ષા આપી હતી. ભરૂચ શહેર તથા જિલ્લામાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. બંને ધોરણ મળી કુલ ૧૪૭ છાત્ર ગેરહાજર રહયાં હતાં અને ગેરરીતીનો એક પણ કેસ નોંધાયો ન હતો.