ભરૂચ જિલ્લા પંચાયત ખાતે તાલીમ મોનિટરીંગ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો, ચૂંટણીલક્ષી મૂંઝવતા પ્રશ્રોનું સમાધાન કરાવાશે

ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે જિલ્લા કક્ષાનો તાલીમ મોનીટરીંગ કંટ્રોલ રૂમ જલ્લા પંચાયત ખાતે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લાના સમાવિષ્ટ 150 -જંબુસર, 151- વાગરા, 152 -ઝઘડીયા, 153- ભરૂચ, 154- અંકલેશ્વર વિધાનસભા બેઠક દીઠ, પ્રમુખ અધિકારી, મતદાન અધિકારી તાલીમ અર્થે સાહિત્ય-વીડિયો અને પ્રેઝન્ટેશન દ્નારા પૂરી પાડવામાં આવશે. જેમાં ચૂંટણી પ્રક્રિયા રોકાયેલા કર્મચારીઓના દરેક પ્રશ્નોનું સમાધાન કરાશે.
ભરૂચ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા આગામી દિવસોમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીઓમાં સુચારુ આયોજનના ભાગરૂપે અનેક કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા કક્ષાનો તાલીમ મોનીટરીંગ કંટ્રોલ રૂમ, જિલ્લા પંચાયત ખાતે શરૂ કરવામાં આવ્યો છે. આ સેન્ટરમાં પ્રમુખ અધિકારી અને મતદાન અધિકારીને મુકવામાં આવેલા સાહિત્ય અંગે કોઈ મૂંઝવણ-પ્રશ્ન હોઈ, એના નિકાલ અર્થે જિલ્લા કક્ષાએ માસ્ટર ટ્રેનર રાખવામાં આવેલા છે. જે ફોનથી, પ્રેઝન્ટેશન, પ્રશ્રોત્તરી દ્નારા સતત ટ્રેનિંગ આપતા રહેશે.
આ શુભારંભ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ કહ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં ચૂંટણી પ્રકિયામાં 6000 થી વધારે કર્મચારીઓએ સંકળાયેલા છે. તેમની તાલીમો થઈ રહી છે. ઈલેકશન કમિશનની સુચના મુજબ ત્રણ વખત ચૂંટણી પ્રકિયાની તાલીમ થતી હોય છે. પરંતુ ભરૂચ જિલ્લામાં નવતર અભિગમના ભાગરૂપે ફોન દ્વારા, પ્રેઝન્ટેશન, અને પ્રશ્રોત્તરી દ્નારા પણ સતત તેમને ટ્રેનિંગ મળતી રહે તેવી અલગથી વ્યવસ્થા ઉભી કરાઈ છે. ચૂંટણીની પ્રક્રિયામાં સંકળાયેલા કર્મચારીને વિધાનસભા પ્રમાણે ત્રણ લોકો તેમના મૂંઝવતા પ્રશ્રોનું સમાધાન કરાવશે.
આ કર્મચારીઓને તાલીમ બાદ પણ સમજ ન પડી હોય અથવા વધારે સમજની જરૂરીયાત લાગતી હોય, તેમના માટે આ તાલીમ મોનીટરીંગ કંટ્રોલ રૂમ ઉભો કરાયો છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ત્રુટી ન રહે તેવા આયોજનના ભાગરૂપે કંટ્રોલરૂમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, નાયબ ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગૂલી, મદદનીશ ચૂંટણી અધિકારી નૈતિકા પટેલ, અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ