ઝઘડિયાના ગોવાલી પાસે ડમ્પરની ટક્કરે બાઇક સવારને ગંભીર ઇજા
ઝઘડિયા મુલદ ચોકડીથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતાં માર્ગ પર નાના સાંજા સુધીની કામગીરી અધૂરી હોવાથી અકસ્માતના બનાવો ચિંતાજનક રીતે વધી રહયાં છે. છેલ્લા બે સપ્તાહમાં અકસ્માતના ૫ થી વધારે બનાવ બની ચૂકયાં છે તેમ છતાં તંત્ર હાથ પર હાથ ચઢાવીને બેઠું હોય તેમ લાગી રહયું છે. રોડની કામગીરી કયાં કારણોસર અટકી છે તેની તપાસ કરાવી પગલાં ભરવામાં તંત્રની નિષ્ફળતાનો ભોગ નિર્દોષ વાહનચાલકો બની રહયાં છે. થોડા દિવસ પહેલાં જ ડમ્પરની ટકકરે મહિલા વનકર્મીના મોતની ઘટના બની હતી ત્યારે એમ લાગતું હતું કે તંત્ર નિર્ણાયક પગલાં ભરશે પણ તે આશા પણ ઠગારી નીવડી છે. અકસ્માતોની વણથંભી વણઝારમાં વધુ એક અકસ્માત થયો હતો જેમાં હાઇવાની ટકકરે બાઇક ચાલક ગંભીર રીતે ઘવાયો છે. ઝઘડિયા તાલુકાના પાણેથા-ભાલોદ વિસ્તારમાંથી આડેધડ ઓવરલોડ રેતી વહન તથા રાજપારડી વિસ્તારમાંથી સિલિકા તેમજ અન્ય ખનીજોનું વહન બેરોકટોક થાય છે જેના કારણે મોટાભાગે અકસ્માતો થઇ રહ્યા છે. છેલ્લા એક માસમાં અસંખ્ય અકસ્માતો ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર સર્જાયા છે. જેનું મુખ્ય કારણ ઓવરલોડ ખનીજ વહન અને ખરાબ રસ્તા છે.આજરોજ મુલદ ચોકડીથી નાના સાંજા ફાટક સુધીના બંધ પડેલા રોડના કામના લીધે એક અકસ્માત સર્જાયો છે, એક હાઇવા ચાલક મુલદ ચોકડી તરફથી ફુલ ઝડપે બેફીકરાઈથી પોતાનું હાયવા ચલાવી લાવી ગોવાલી બસ સ્ટેન્ડ નજીકની જલાદર્શન સોસાયટી પાસેથી પસાર થતા કપલસાડી ગામના બાઇક ચાલક ઈબ્રાહિમ સરદારને અડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો, જેના પગલે બાઈક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. ગ્રામજનોએ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતાં. બંધ પડેલા રોડના કામ બાબતે ઈજારદારને વાત કરતા તેણે ઉદ્ધતાઈ થી વાત કરી જણાવ્યું હતું કે તમારે જે વાત કરવી હોય તે ડિપાર્ટમેન્ટમાં વાત કરો, વર્તમાન સરકારમાં અધિકારીઓ તો ઠીક ઇજારદારો પણ તાનાશાહી પર ઉતરી આવ્યા છે !
