સુમરાવાંઢની પ્રાથમિક શાળાની દીવાલ તેમજ તાળાં તોડી કુલ રૂા. 32,500ના મુદ્દામાલની તસ્કરી
તાલુકાની સુમરાવાંઢની પ્રાથમિક શાળાની દીવાલ તેમજ તાળાં તોડી કુલ રૂા. 32,500ના મુદ્દામાલની તસ્કરી થયાની ફરિયાદ પદ્ધર પોલીસ મથકે નોંધવાઇ છે. આ ચોરી અંગે પદ્ધર પોલીસ મથકે શાળાના શિક્ષકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 5/4ના બપોરના અરસામાં શાળાને તાળું મારી તેઓ ઘરે ચાલ્યા ગયા હતા. બીજા દિવસે સવારે શાળાનાં તાળાં તૂટેલાં જોવા મળ્યા હતાં તેમજ પ્રજ્ઞા રૂમમાંથી 43 ઈંચનું એલઈડી ટીવી તથા ઉપરના માળે લેપટોપ અને એક સ્પીકર એમ કુલે રૂા. 32,500ના મુદ્દામાલની કોઈ અજાણ્યા ઈસમે રાત્રિના અરસામાં શાળાની દીવાલ કૂદી શાળાનાં તાળાં તોડી ચોરી કરી ગયો હતો. ગામના આગેવાનો તથા આજુ-બાજુમાં તપાસ કરાતા ચકાર બંદરા રોડ પર પાણી પુરવઠાના સરકારી બોરમા પણ વાયર તેમજ પેનલ બોર્ડના સાધનોની તસ્કરી થઈ છે, ફરિયાદમાં લખાવ્યા અનુસાર તેમાંથી કેટલી ચોરી થઈ તેની હકીકત જાણવા ન મળી હતી જેથી પદ્ધર પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.