સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અંજારમાં ટ્રાફિક નિયમન માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું.
અંજાર શહેરમાં શ્રી સ્વામીનારયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા કથાનું આયોજન રાધે રિસોર્ટ સામે,અંજાર ખાતે પ્રારંભ થયો છે. શ્રી સ્વામીનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા કથા દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં જનસંખ્યા એકઠી થનાર હોઈ તેમજ આ સ્થળે મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોઈ ભારે વાહનના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તા.૦૮/૦૪/૨૦૨૪ થી તા.૧૫/૦૪/૨૦૨૪ સુધી સમય સવારે ૭.૦૦ કલાકથી રાત્રીના ૧૨.૦૦ કલાક સુધી અંજારના આશાબા વે બ્રીજથી ચિત્રકુટ સર્કલથી યોગેશ્વર ચાર રસ્તાથી કળશ સર્કલ સુધીના અંજાર શહેર વિસ્તારના રસ્તા પર ટ્રાફિક નિયમન માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી અંજાર તરફથી તા.૦૮/૦૪/૨૦૨૪ વાળી રજૂ થયેલ દરખાસ્ત અનુસંધાને નીચે અનુસુચિમાં જણાવ્યા મુજબના હુકમ કરવામાં આવ્યા છે.
જેથી અમિત અરોરા(આઈ.એ.એસ.),જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ, ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે તેમને મળેલ અધિકારની રુએ ફરમાવેલ છે કે તા.૧૫/૦૪/૨૦૨૪ સુધી નીચે અનુસુચિમાં જણાવેલ રસ્તાઓ/માર્ગો પરથી ભારે વાહનોની અવર જવર બંધ રહેશે તેમજ અનુસુચિ મુજબના માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે. આ હુકમની અંદર ભારે વાહન શબ્દનો અર્થ મોટર વ્હીકલ એકટમાં જે વ્યાખ્યા આપી છે તેનો સમાવેશ થાય છે.
અંજારના આશાબા વે બ્રીજથી ચિત્રકુટ સર્કલથી યોગેશ્વર ચાર રસ્તાથી કળશ સર્કલ સુધી આવક-જાવક પર ભારે વાહનો પ્રવેશી શકશે નહીં, પરંતુ તેના વૈકલ્પિક માર્ગ તરીકે કળશ સર્કલથી જી.આઈ.ડી.સી. રોડથી વરસામેડીથી ભીમાસરથી વરસાણાથી ભચાઉ-ગાંધીધામ હાઈવે તરફનો રસ્તો અથવા અજાપર-મોડવદર-મીઠી રોહર તરફ જતા રસ્તાનો વિકલ્પ તરીકે ઉપયોગ કરવાનો રહેશે. સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલા વાહનો, પોલીસ અધિક્ષકશ્રી કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી-અંજારના આદેશનુસાર સક્ષમ અધિકારીશ્રી દ્વારા અધિકૃત કરેલ વાહનો, રાત્રીના ૧૨.૦૦ કલાકથી સવારના ૭.૦૦ કલાક સુધી તમામ વાહનો અવર-જવર કરવા આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે.