કચ્છમાથી 1.9 લાખનો દારૂ ઝડપાયો
આજે સવારે પોલીસ નવી મોટી ચીરઇ નજીક વાહન ચેકિંગમાં હતી, તે દરમ્યાન ભચાઉ બાજુથી આવતા ટ્રેઇલરને રોકતાં વાહન ચાલકે પોતાનું વાહન બુંગી કંપની બાજુ બાવળની ઝાડીમાં હંકારી દીધું હતું. દર વખતની જેમ વાહનની ચાવી ટ્રેઇલરમાં જ મૂકી બાવળની ઝાડીનો લાભ લઇને નાસી જવામાં સફળ રહ્યો હતો. આ ટ્રેઇલરની તપાસ કરાતા તેમાં ફેલ્ડસ્પર પાઉડરની થેલીઓ નીચેથી દારૂની પેટીઓ નીકળી હતી. વાહનમાંથી બિયર તથા દારૂની 358 બોટલ જેની કુલ કિંમત રૂા. 93,020નો શરાબ ઝડપાયો હતો. બિલ્ટીમાં જણાવ્યા મુજબ પાઉડરનો જથ્થો બ્યાવર રાજસ્થાનથી મોરબી બાજુ જઇ રહ્યો હતો, પરંતુ દારૂ અહીં આવ્યો હતો. દારૂ મોકલનાર કોણ છે ? મગાવનાર કોણ છે તથા વાહન ચાલક કોણ છે પોલીસે તેની આગળની શોધખોણ હાથ ધરી છે. બીજી બાજુ નખત્રાણા પોલીસે નાની અરલની વાડીના ડેલામાંથી દારૂ શોધી કાઢયો હતો. નાની અરલના વાડી વિસ્તારમાં એક યુવાનની વાડીના ડેલામાં ગામના જ એક શખ્સે દારૂ સંતાડયો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં કાર્યવાહી કરી હતી. આ ડેલામાંથી જુદી-જુદી બ્રાન્ડની 142 બોટલ કિંમત રૂા. 16,360નો શરાબ હસ્તગત કરાયો હતો. અહીં પણ દારૂ સંતાડી તેનું વેચાણ કરનારો આરોપી શખ્સ મળી આવ્યો ન હતો.