સાત આરોપીઓએ એકજૂથ મળી જેલમાં બંધ બુટલેગર પર હુમલો કર્યો, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
ભરૂચની સબજેલમાં જાસૂસીકાંડમાં બંધ નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડાને જેલમાં સાત આરોપીઓએ હુમલો કરી માર મારવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે.આ મામલે જેલ પ્રસાશન તરફથી “બી” ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ભરૂચ જાસૂસીકાંડમાં નાસતો-ફરતો નામચીન બુટલેગર ૧૧ મહિના બાદ પોલીસ પકડમાં આવ્યો હતો.જે હાલમાં ભરૂચની સબજેલમાં બંધ છે.ત્યારે સબજેલના ઈન્ચાર્જ જેલર છત્રસિંહ વસાવાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભરૂચ સબજેલમાં ડ્રગ્સ, રેપ, આંતરરાજ્ય ATM અને સોપારી કિલિંગ ગેંગના ૭ આરોપીઓએ હંગામો મચાવ્યો હતો.જેમાં જેલબંધી ખોલવાની કાર્યવાહી દરમિયાન રોજા બેરેક ૪ અને ૮ માં રહેલા ૭ આરોપીઓએ તેઓની કોઈ અદાવત કે ઈરાદો પાર પાડવા બેરેક નંબર એકમાં રહેલા નયન કાયસ્થ ઉર્ફે બોબડા કાયસ્થ પર હુમલો કર્યો હતો.
સબજેલમાં હુમલાની ઘટના બાદ જેલના કેદીઓમાં દોડધામ મચી ગઇ હતી.જોકે આ સમયે બેરેક નંબર એકમાં રહેલા અન્ય બે હિન્દૂ કેદીઓએ કર્તવ્ય રાણા અને હરેશ અધ્યાર્યુંએ વચ્ચે પડીને નયન બોબડાને માર મારતા અન્ય ૭ લઘુમતી કેદીઓથી બચાવ્યો હતો.જોકે ઘટનામાં સાત આરોપીએ કરેલા હુમલાથી બચવા નયન દોડતો સબજેલના મુખ્ય ગેટ સુધી પહોંચી ગયો હતો.જોકે ઈન્ચાર્જ જેલર અને સ્ટાફ દોડી નયનને બચાવી હુમલાખોર સાત આરોપીઓ સહિત અન્ય કેદીઓને બેરકમાં નાખી દીધા હતા. જોકે હુમલો કરનારા સાત કેદીઓએ પોતાને પણ નાની-મોટી જાતે ઇજા પહોંચાડી સમગ્ર ઘટનાને અલગ રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો.જોકે નયન બોબડા પર કઈ અદાવતથી હુમલો કરાયો છે તે તપાસનો વિષય બન્યો છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ