રાપર તાલુકામાં માતાએ ચાર સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી
રાપર તાલુકાના આણંદપર ગામે ચાર સંતાન સાથે માતાએ ઝેરી દવા પી લેતાં તમામને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. મળેલી વિગતો મુજબ રાપર તાલુકાના આણંદપર ગામમાં રહેતા દંપતી વચ્ચે પારિવારિક કલેહ થયો હતો, જેથી કંટાળીને સાંજના પાંચેક વાગ્યાના અરસામાં સીમમાં આવેલા ખેતરમાં મહિલાએ પોતાના ચાર સંતાન સાથે ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં માતા તેમજ ચાર સંતાનને તાત્કાલિક રાપરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બાળકોની હાલત સ્વસ્થ હોવાનું જ્યારે મહિલાને અન્ય હોસ્પિટલમાં દાખલ કરાયાનું જાણવા મળ્યું હતું. બનાવ સંદર્ભે બાલાસર પોલીસ મથકના પીએસઆનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, પતિ, પત્ની વચ્ચે ખટરાગ થતાં મહિલાએ ચાર સંતાન સાથે દવા પી લીધી હતી, જેમાં મહિલાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘટના અંગે હજુ સુધી કોઈ નોંધ થઈ નથી. તેમ છતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ વાગડ પંથકમાં ચાર સંતાન સાથે માતાએ ઝેરી દવા પી લેવાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઇ હતી.