ફરી એકવખત રૂા. 12,85,397ની ઓનલાઈન ઠગાઈ
માંડવી પરિવારનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મહિલા અને પુત્રીની એફ.ડી. પરથી ત્રણ લોન લઈ રૂા. 12,85,397ની ઓનલાઈન ઠગાઈ થયાનો નવતર કિસ્સો સામે આવ્યો છે. આ નવતર છેતરપિંડી અંગે અગાઉ અરજી આપ્યા બાદ ગઈકાલે બોર્ડર રેન્જ ભુજના સાયબર પોલીસ મથકે માંડવીમાં બાબાવાડીમાં રહેતા શખ્સે એ વિધિવત નોંધાવેલી ફરિયાદ મુજબ પત્નીના મોબાઈલ પર ટેક્સ મેસેજ આવ્યો હતો. પ્રિય ગ્રાહક, તમારી વીજળી રાત્રે ડિસ્કનેક્ટ થઈ જશે, તમારા પાછલા મહિનાનું બિલ અપડેટ થયું ન હતું અને મો.નં. આપી સંપર્ક કરવા જણાવતાં તે નંબર પર સંપર્ક કરતાં સામેવાળાએ વાતોથી વિશ્વાસ કેળવી એક લિંક એનિડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આંકડાકીય કોડ માગી લીધા હતા. આ બાદ થોડીવારમાં ફરિયાદીના ખાતાંમાંથી નાણાં ઉપડી ગયાના મેસેજ આવતા ફરિયાદીએ ફરી ફોન કરી નાણાં ઉપડી ગયાનું કહેતાં, સામેવાળાએ કહ્યું, રૂપિયા પાછા આવી જશે, તમે ફોન કટ ન કરતા અને જો તમારું બિલ અપડેટ ન થાય તો મારી નોકરી જશે તેવી વાતો કરી અઢી કલાક સુધી ફોન ચાલુ રાખ્યા બાદ ફરિયાદીને ખબર પડી કે સામાવાળો તમેના અલગ-અલગ ખાતાંમાંથી રૂપિયા ઉપાડી રહ્યો છે. આથી ફોન કટ કરી નાખ્યો, પરંતુ એનિડેસ્ક એપ ડિલિટ કરી ન હતી. સામાવાળા આરોપીએ ફરિયાદી અને તેના પત્ની તથા પુત્રના ખાતાંમાંથી ઓનલાઈન નાણાં ઉપાડી લીધાં હતાં. ફરિયાદી તેમના તથા પરિવારના ખાતાંની વિગતો ચકાસતા આરોપીએ ફરિયાદીના ત્રણ એફડી ઉપરથી લોન રૂા. 10,20,000 ઉપાડી આરોપીએ ટુકડે-ટુકડે અન્ય ખાતાંમાં ઉસેડી લીધા હતા. આ ઉપરાંત ફરિયાદી તથા પત્ની અને પુત્રના ખાતાંમાંથી નાણાં ઉપાડી લીધાં હતાં. આમ કુલે રૂા. 12,85,397ની ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી .પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.