બેંગ્લોરમાં મથલના પાટીદાર પરિવારને અકસ્માત નડતાં 16વર્ષીય તરુણીનું મોત
ગઇકાલે રાતે બેંગ્લોરમાં તુમકુરુ-બેંગ્લોર ધોરીમાર્ગ પર મૂળ નખત્રાણાના મથલના પાટીદાર પરિવારની કારને અકસ્માત નડતાં આ કાર સળગી ઉઠતાં 16 વર્ષીય કિશોરી ઘટનાસ્થળે જ આગમાં ભડથું થઇ હતી જ્યારે પરિવારના અન્ય સાત સભ્ય ઘાયલ થયા હતા જેમાં કિશોરીની માતા અને ભાઇ તેમજ પિતરાઇ ભાઇ ગંભીર રીતે 60થી 80 ટકા દાઝી જતાં તેઓની સ્થિતિ ગંભીર છે. આ કરૂણ અકસ્માત અંગે પરિજનો પાસેથી મળેલી માહિતી મુજબ મૂળ મથલના રહેવાસીનો પરિવાર ધંધાર્થે બે પુત્રના પરિવાર સાથે બેંગ્લોર સ્થાયી થયો હતો. ગઇકાલે રાતે આ આખો પરિવાર જમણવાર પ્રસંગેથી પરત પોતાના ઘરે કારથી ફરી રહ્યો હતો ત્યારે તુમકુર-બેંગ્લોર ધોરીમાર્ગ પર બેંગ્લોર ઇન્ટરનેશનલ એક્ઝિબીશન સેન્ટર પાસે બ્રિજ પર બલેનો કાર સાથે ટક્કર થતાં પોકાર પરિવારની કાર એક સાઇડ પલ્ટીને 100થી 200 મીટર ઘસડાઇ હતી. આ અકસ્માતની કરૂણતા એ હતી કે કાર ઘસડાતાં તણખા ઝરતાં પેટ્રોલની ટાંકીમાં આગ લાગતાં જોતજોતામાં બનાવે વધુ ગંભીર સ્વરૂપ લીધું હતું જેમાં દિવ્યા કારમાંથી બહાર ન નીકળી શકતાં પરિવારની સામે સળગતી કારમાં ભડથું થઇ હતી. સળગતી કાર અને પરિવારના રડતા અવાજોથી વાતાવરણ ગમગીન બન્યું હતું અને આ અંગેના અનેક વીડિયો પણ વાયરલ થયા હતા. આ અકસ્માતના બનાવમાં શાંતિભાઇ ઉપરાંત તેમના પત્ની અને બે પુત્ર તેમજ તેમના પુત્રવધૂ અને પૌત્રાઓ ઘાયલ થયા છે જ્યારે પૌત્રીનું મૃત્યુ થયું છે. ઘાયલોને વિક્ટોરિયા હોસ્પિટલમાં સારવાર અંગે ખસેડાયા છે જેમાં દિવ્યની માતા તથા તેના બે ભાઈઓ 50થી 80 ટકા સુધી ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેઓની સ્થિતિ ગંભીર બતાવાઇ રહી છે. આ કરૂણ અકસ્માતને લઇને બેંગ્લોર પાટીદાર સમાજ તથા સ્થાનિક મથલ પંથકમાં અરેરાટી સાથે શોકનો માહોલ જોવા મળ્યો છે.