કુકમા ગામે હૃદયદ્રાવક ઘટના: પરિણીતાએ તેના બે સંતાન સાથે સામૂહિક ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
કુકમા ગામે હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં મૂળ બોટાદના બરવાળા બાજુના એવા શ્રમજીવી પરિવારની 23 વર્ષીય પરિણીતાએ તેના બે સંતાન ચાર વર્ષીય બાળકી અને દોઢ વર્ષના દીકરા સાથે સામૂહિક ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કુકમા ગામે અરેરાટી ફેલાવનારા આ બનાવ અંગે પદ્ધર પોલીસ મથકેથી મળેલી માહિતી અનુસાર કુકમાના આહીર સમાજની વાડી પાછળ કનૈયાબેના કબજાના માલિકની ઓરડીમાં બોટાદ બાજુના એક યુવાનનો શ્રમજીવી પરિવાર રહે છે. સાંજે 5થી 6 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર પરિણીતીએ છતમાં લાગેલા લોખંડના એંગલમાં દોરી બાંધીને પોતે તેમજ તેના બે સંતાન દીકરી અને દીકરા સાથે સામૂહિક રીતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અરેરાટીભર્યા બનાવની જાણ થતાં પદ્ધર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવાન પાસેથી નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પદ્ધર પોલીસ મથકના પી.એસ.આઈ ના જણાવ્યા અનુસાર બોટાદ બાજુનો આ પરિવાર છેલ્લા ચારેક વર્ષથી કુકમામાં રહી અને કેટારિંગ કામમાં મજૂરી કામ કરે છે. પરિવારે છેલ્લે સાંજે ચારેક વાગ્યે સાથે બેસીને ચા પણ પીધી હતી. ત્યારબાદ સાંજે 5થી 6 વાગ્યા વચ્ચે પરિણીતીએ આ અંતિમ પગલું ભર્યું હતું. હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી બનાવ પાછળના કારણો શોધવા તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.