24 કલાક મળવા છતાં પણ કોંગ્રેસના નેતાઓ ટેકેદારોને કલેક્ટર સમક્ષ રજુ કરી ન શક્યા
આધારભૂત સૂત્રો પરથી માહિતી પ્રમાણે ભાજપની કેન્દ્રીય નેતાગીરી દ્વારા ગુજરાત ભાજપના એક ટોચના નેતાને એક ખાનગી ઓપરેશન સોપવામાં આવ્યું હતું. ભાજપની ટોચની નેતાગીરી ઇચ્છતી હતી કે કંઈક એવું ધમાકેદાર કરવું જોઈએ કે જેને કારણે રાષ્ટ્રીયસ્તરે કોંગ્રેસની ઇમેજ પાયમાલ કરીને કોંગ્રેસના મતદારો સમક્ષ કોંગ્રેસની અવગણના થાય. સામાન્ય રીતે ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરવા જાય ત્યારે જે ટેકેદારોની સહી ઉમેદવારી પત્રક પર લેવામાં આવે છે એ પક્ષના વફાદાર સભ્ય હોય છે. નિલેશ કુંભાણીએ જે ટેકેદારો પસંદ કર્યા હતા એમાંથી એક પણકોંગ્રેસનો સભ્ય ન હતો ! પહેલેથી જ બધુ સેટ હતું. નિલેશ કુંભાણીએ ઉમેદવારી પત્રકના ત્રણ સેટ ભર્યાં એ ત્રણેના ટેકેદારોએ પાછળથી ફેરવી તોળ્યું કે, ઉમેદવારી પત્રક પર એમની સહી નથી. કેટલીક નાટકીય ઘટનાઓ પછી કલેક્ટરે કોંગ્રેસને ફોર્મની ચકાસણી પૂરી કરવા માટે 24 કલાકનો સમય આપવા છતાં નવાઈની વાત તો એ છે કે 24 કલાક દરમિયાન કોંગ્રેસના નેતાઓ પેલા ટેકેદારોને કલેક્ટર સમક્ષ રજુ કરી ન શક્યા. એ જ સમયે બધાને ખબર પડી ગઈ હતી કે નિલેશ કુંભાણી પોતે જ ઘોડે ચઢવા તૈયાર નથી! આખરે જે થવાનું હતું તે જ થયું કુંભાણીનું પત્રક રદ થયું. આ આખી ઘટનાક્રમ દરમિયાન સુરતથી માંડીને રાજ્ય અને કેન્દ્રના કોંગ્રેસી નેતાઓ એકદમ વામણા પૂરવાર થયા. હાઇકોર્ટ કે સુપ્રિમ કોર્ટમાં જવા માટે જરૂરી કલેક્ટરના સહી-સિક્કાવાળી કોપી પણ કોંગ્રેસના વકીલને કલાકો સુધી મળી શકી નહોતી.