નખત્રાણા તાલુકાના મથલ ગામમાં રહેતી 25 વર્ષીય બીમાર મહિલાએ એસીડ પી લેતા તેનું મોત તેમજ કોઠારાના જોગી વાસમાં રહેતા 18 વર્ષીય યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યો
નખત્રાણા તાલુકાના મથલ ગામમાં રહેતી 25 વર્ષીય માનસિક બીમાર મહિલાએ એસીડ પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું.તેમજ કોઠારાના જોગી વાસમાં રહેતા 18 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યો હતો.સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ મથલમાં રહેતી 25 વર્ષીય મહિલાએ આત્મઘાતી પગલું ભર્યું હતું.હતભાગી પરિણીતા માનસિક રીતે બીમાર હતી.એ દરમિયાન ગુરુવારે પોણા ચાર વાગ્યાના અરસામાં પોતાના ઘરે એસીડ પી મોતને વહાલું કર્યું હતું.બનાવને પગલે તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ નખત્રાણા સીએચસી ખાતે તેમજ વધુ સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.બનાવને પગલે નખત્રાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.તો બીજી તરફ કોઠારાના જોગી વાસમાં રહેતા યુવકે ગુરુવારે રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર અંતિમ પગલું ભરી લીધું હતું.હતભાગીએ પોતાના ઘરે સાડીથી ફાંસો ખાઈ લેતા તેને નલિયા સીએચસી ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. કોઠારા પોલીસે બનાવ સબંધિત ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.