ફરી એક વખત ઓનલાઇન ઠગાઈ
શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેનારા એક મહિલાની બસની ટિકિટ બૂકિંગ ન થતાં પૈસા પરત મેળવવા જતાં મહિલા સાથે રૂા. 2,89,258ની છેતરપિંડી ઠગબાજોએ કરી હતી.શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેનારા મહિલા એ આ ઘટના અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીએ પોતાના મોબાઇલમાં મેક માય ટ્રિપ એપ્લિકેશન ખોલી ફેલ્કોન ટ્રાવેલ્સમાં ગાંધીધામથી અમદાવાદની એક ટિકિટ બૂક કરાવી હતી, જેના રૂા. 706 કપાયા હતા, પરંતુ ટિકિટ બૂક ન થતાં મહિલાએ મેક માય ટ્રિપ એપ્લિકેશનમાં જઇ કસ્ટમર કેર પર ફોન કર્યો હતો. સામા છેડેથી ઠગબાજે વીડિયો કોલ કરી હું જેમ કહું તેમ કરવાનું કહ્યું હતું. બાદમાં ફરિયાદીએ સ્ક્રીન શેરિંગ નામનું બટન દબાવી ડેબિટકાર્ડ વગેરેની વિગતો, ઓટીપી આ ઠગબાજને આપી દીધા હતા. થોડીવાર બાદ તેમના બેંક ખાતાંમાંથી પૈસા નીકળવાનું શરૂ થઇ ગયું હતું. જુદા જુદા ટ્રાન્જેક્શન થકી આ ઠગબાજોએ મહિલાના ખાતામાંથી કુલ રૂા. 5,29,151 સેરવી લીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતાં તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફોન કરી પોતાની ફરિયાદ લખાવી હતી. બાદમાં તેમને રૂા. 2,39,569 તેમના ખાતામાં પરત મળી ગયા હતા. ઠગબાજોએ રૂા. 2,89,258ની ઠગાઇ કરતાં પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.