નખત્રાણાના નવાનગરમાં એક બંધ ઘરને ચોરએ નિશાન બનાવ્યું
નખત્રાણાના નવાનગરમાં રાતે 8થી 12.30 વાગ્યા દરમ્યાન એક બંધ ઘરને ચોર એ નિશાન બનાવી ઘરનાં તાળાં તોડી કબાટમાંથી સોનાં-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂા. 84,900ના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે નખત્રાણા પોલીસ મથકે નવાગરમાં રહેતી પરિણીતા એ નોંધાવેલી ફરિયાદ અનુસાર સસરાનાં ઘરે મહેમાન આવ્યા હોવાથી ફરિયાદી અને તેના પતિ સાંજે 7 વાગ્યે જમવા ગયા હતા. રાત્રે 8 વાગ્યે પાણી ભરવા મહિલા પરત ઘરે આવ્યા બાદ પરત સસરાનાં ઘરે ગયા હતા અને મધ્ય રાત્રે 12.30 વાગ્યે પાછા ઘરે આવતાં ઘરનાં તાળાં તૂટેલાં હતાં. ઘરની લોખંડની તિજોરી તૂટેલી હાલમાં હતી. આ તિજોરીમાંથી એક જોડી સોનાંના બુટિયા કિં. રૂા. 30,000, ત્રણ સોનાંની વીંટી કિં. રૂા. 30,000, ચાંદીના પાટલા કિં. રૂા. 3000, બે જોડી ચાંદીના પટ્ટા કિં. રૂા. 12,000, બે ચાંદીની પોંચી કિં. રૂા. 8000 એક ચાંદીની પેંડલવાળી ચેઈન કિં. રૂા. 700 તથા રોકડા રૂા. 1200 એમ કુલે રૂા. 84,900ના મુદ્દામાલની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. નખત્રાણા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.