ગાંધીધામમાં બે જગ્યાએ પોલીસે કાર્યવાહી હાથ ધરીને ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સની ધરપકડ
ગાંધીધામ શહેરમાં બે જગ્યાએ પોલીસે કાર્યવાહી હાથ ધરીને ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમતા બે શખ્સને પકડી પાડયા હતા. આ બે શખ્સ પાસેથી બે મોબાઇલ હસ્તગત કરવામાં આવ્યા હતા. શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં ફોન બુક નામની દુકાનની સામે ઉભેલો એક શખ્સ પોતાના મોબાઇલમાં ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં દોડી આવી હતી અને અહીં જાહેરમાં સટ્ટો રમતાં મેઘપર બોરીચી સ્વામિનારાયણ સોસાયટીના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ શખ્સે ગૂગલ ક્રોમમાં ક્રિક અડ્ડા ડોટ કોમ નામની વેબસાઇટ ખોલી તેમાં 2024-ટી-20 ક્રિકેટની મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. ઓનલાઇન આઇ.ડી. મેળવી સટ્ટો રમતા આ શખ્સ પાસેથી રૂા. 35,000નો એક મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ બીજી કાર્યવાહી શહેરના ઓમ સિનેમા પાસે કરવામાં આવી હતી. અહીંથી આદિપુરના નર્મદા ભવનમાં રહેનાર શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સે 11 એક્સ પ્લેયમાં ઓનલાઇન આઇ.ડી. મેળવી રાત્રે 2024 ક્રિકેટની ટી-20ની લખનઉ જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ ઉપર જાહેરમાં સટ્ટો રમી રહ્યો હતો. દરમ્યાન પોલીસે તેની આટક કરી આ શખ્સ પાસેથી રૂા. 25,000નો એક મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો હતો.