ભચાઉના બઠટીયગા રોડ ઉપર અસામાજિક તત્ત્વો દ્વારા લોખંડની તસ્કરી
ભચાઉ શહેરના નવા બસ સ્ટેશનથી બઠટીયગા રોડ ઉપર અસામાજિક તત્ત્વો દ્વારા લોખંડની ચોરીનું પ્રમાણ વધ્યું હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આ ચોરીના કારણે પડેલા ખાડાઓથી અકસ્માતની સંભાવના સતાવી રહી છે. ભચાઉમાં પોલીસ મથકની સામે જ થતી ચીભડચોરી થતાં તસ્કરોને કાયદો વ્યવસ્થાની કોઈ ધાક જ ન હોવાની છાપ ઊભી થાય છે. ભચાઉ પોલીસ સ્ટેશન માર્ગ ઉપર પાણીના નિકાલ માટે છીપરો મૂકવામાં આવી છે. અસામાજિક તત્ત્વો લોખંડની ચોરી કરવાના હેતુ સાથે આ છીપરો કાઢી નાખતા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આ માર્ગ ઉપર રાહદારીઓને ચાલવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, પરંતુ પાણીના નિકાલ માટે નાખવામાં આવેલી છીપર મૂકાઈ હતી, જે ફૂટપાથના વિકલ્પ તરીકે ઉપયોગમાં આવે છે. ચોરી માટે છીપર કાઢી નાખવામાં આવતાં રાત્રિના સમયે કોઈપણ વ્યક્તિ ચાલે, તો ખાડામાં પડી જવાની સંભાવના રહેલી છે. છ માર્ગીય રોડ ઉપર અનેક સ્થળે છીપર કાઢીને સળિયા કાઢી જવાયા હોવાના બનાવ બન્યા છે, ત્યારે પોલીસ મથક સામેથી જ થયેલી ચોરીના બનાવે અનેક સવાલ ઊભા કર્યા છે. આ મામલે જવાબદાર તંત્રો દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકોમાં પ્રબળ બની છે.