દાહોદ એલ.સી.બી. પોલીસે ગત મોડી રાત્રિના અરસામાં નાકાબંધી દરમિયાન ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે રસ્તા પરથી રૂ. ૩૯,000 ઉપરાંતના વિદેશી શરાબ-બીયરના જથ્થા સાથે મારુતી અલ્ટો કાર ઝડપી પાડી તેના ચાલકની ધરપકડ કરી રૂ. ૧.૫૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મધ્યપ્રદેશના સાતેશેરા ગામના મીરા પાસેથી સીમલીયા ગામના કલા વાલુ નિસરતાએ મંગાવેલ વિદેશી શરાબ-બીયરનો જથ્થો ગુલતોરા ગામના નદી ફળીયાના મેહુલ સરદાર ડામોરે તેની કારમાં ભરી લાવી રહ્યો હતો. દરમિયાન રસ્તામાં ગુલતોરા ગામે રસ્તા પર નાકાબંધી કરી ઉભેલ દાહેદ એલ.સી.બી પોલીસે કાર રોકવાનો પ્રયાસ કરતાં મેહુલ કાર ભગાવી મૂકતા પોલીસે પીછો કરી કાર ઝડપી પાડી હતી. તે સમયે અંધારાનો લાભ લઇ કારમાં બેસેલા ગુલતોરા ગામના પ્રકાશ ચીખલ ડામોર તથા શારદા ગામના દીપક પાંગળા માવી નાસી છૂટયો હતા. જ્યારે અલ્ટો કારનો ચાલક મેહુલ ડામોરને પોલીસે પકડી પાડયો હતો અને તેની પાસેથી રૂ. ૧,૫૪,૪૦૦નો મુદ્દામાલ પકડી પાડી જપ્ત કર્યો હતો. આ સંબંધે લીમડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.