આંતર રાજ્ય ગેંગના ત્રણ ઇસમો પીસ્તોલ અને તમંચા સાથે પકડાયા

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લૂંટની ઘટનાઓ બની રહી હતી અને છત્રાલની એક્સિસ બેંકમાં ૪૪ લાખ રૂપિયાની લૂંટ થયા બાદ વાવોલમાં પણ બેંક લૂંટનો પ્રયાસ થયો હતો અને ત્યારપછી લૂંટારૂઓએ પોલીસ ઉપર ફાયરીંગ કર્યું હતું. ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ સહિત ક્રાઈમ બ્રાંચ અને એટીએસ પણ આ ગેંગને ઝડપવા કામે લાગી ગઈ હતી. ત્યારે ગાંધીનગર એલસીબી પોલીસે બાતમીના આધારે છત્રાલ જીઆઈડીસીથી ઈસંડ જતાં રસ્તા ઉપર ત્રણ પીસ્તોલ અને એક તમંચા સાથે મોપેડ ઉપર સવાર ત્રણ ઇસમોને પકડી પાડયા હતા અને તેમની પુછપરછમાં હત્યા લૂંટ અને પોલીસ ઉપર ફાયરીંગના ગુનાઓનો ભેદ ખુલ્યો હતો. આ ગેંગના અન્ય છથી વધુ ઇસમોને ઝડપવા માટે દોડધામ કરવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લામાં લૂંટના વધતાં જતાં ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરાઈ રહી હતી તેમ છતાં છત્રાલ જીઆઈડીસીમાં લૂંટની ઘટના પછી પોલીસ ઉપર ફાયરીંગની પણ ઘટના બની હતી ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઈ નીરજ પટેલ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવા દોડધામ કરાઈ રહી હતી અને એલસીબી પીએસઆઈ એચ.કે.સોલંકી અને ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે એક મોપેડ નંબર જીજે ૧૮ ડીડી ૦૨૭૩ ઉપર ત્રણ શખ્સો હથિયાર સાથે છત્રાલ જીઆઈડીસીથી ઈસંડ તરફ જઈ રહયા છે. જે બાતમીના આધારે તેમને ઝડપી પાડયા હતા. જેમાં વિજેન્દ્રકુમાર વૈદ્યરાજ બીંદ રહે.મકાન નં.એ/૧, હરિદર્શન સોસાયટી છત્રાલ, મુળ જોનપુર ઉત્તરપ્રદેશ, સુધાકર રામઆશરે બીંદ રહે.ડીંડોલી સુરત મુળ રહે.જમાલપુર જિ.જૌનપુર ઉત્તરપ્રદેશ અને વિજયભાન રામપતિ બીંદ રહે.હરિદર્શન સોસાયટી છત્રાલ મુળ ભદોઈ ઉત્તરપ્રદેશની પાસેથી ત્રણ પિસ્તોલ અને એક તમંચો તેમજ ૩૬ નંગ કારતુસ મળી આવ્યા હતા. જેઓની પુછપરછમાં કબુલાત કરી હતી કે વિજેન્દ્રકુમારે તેના અન્ય ઇસમો સાથે મળીને છત્રાલમાં બેંક લૂંટ કરાવી હતી અને વાવોલ ખાતે પણ બેંક લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે આ ગુનાની કાર્યવાહી કરતી પોલીસ છત્રાલથી કડી હાઈવે ઉપર પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન આ જ ગેંગના સભ્યોએ પોલીસ ઉપર ફાયરીંગ કર્યું હતું. જેમાં અન્ય ઇસમો ઉત્તરપ્રદેશ તેમજ અન્ય વિસ્તારોમાં રહેતા હોવાથી તેમની શોધખોળ શરૂ કરાઈ છે. રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લામાં છત્રાલમાં બનેલી આ લૂંટની ઘટના પછી પોલીસ ઉપર ફાયરીંગ થતાં ગાંધીનગર ઉપરાંત મહેસાણા અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એટીએસની ટીમો પણ કામે લાગી હતી ત્યારબાદ ગાંધીનગર એલસીબીએ બાતમીના આધારે આ ગેંગના સભ્યોને પકડી પાડયા છે અને આગામી દીવસમાં અન્ય ઇસમોઓને ઝડપી પડાશે. આ ગેંગની મોડશ ઓપરેન્ડી એવી છે કે જ્યારે લૂંટ કરવાની હોય ત્યારે રેકી કર્યા બાદ અન્ય સભ્યો ઉત્તરપ્રદેશથી પિસ્તોલ લઈને આવતાં હોય છે અને કોઈ સ્થળેથી વાહન ચોરીને તેનો લૂંટમાં ઉપયોગ કરાતો હોય છે. લૂંટ કર્યા બાદ હથિયાર અલગ વ્યક્તિ લઈને જતો રહે છે જ્યારે લૂંટના રૂપિયા પણ અલગ વ્યક્તિ સાથે મોકલાવી દેવાય છે. જેમાં એક મહિલા પણ સામેલ છે. લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ આ ટોળકી કપડાં બદલીને અલગ અલગ વિસ્તારોમાં રવાના થઈ જતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *