ઇસ્કોન હાઇટસમાં રૂ.૮ લાખની મત્તા તસ્કરી

નેપાળી ચોકીદારે બે ફલેટમાં હાથફેરો કરી ફરાર : સીસીટીવી ફુટેજથી બચવા ડીવીઆર પણ ઉપાડી ગયા શહેરના કાલાવડ રસ્તા પર આવેલા મોટા મવા પાસે ઇસ્કોન હાઇટસના નેપાળી ચોકીદારે એક સાથે બે બંધ ફલેટને નિશાન બનાવી રૂ. ૮ લાખની મત્તાનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ લખવાઇ છે. ચોકીદારે હાથફેરો કર્યાની ઘટનાથી ફલેટ ધારકોમાં ફફડાટ મચી ગયો છે. ચોકીદારે તસ્કરી કર્યા પહેલાં બંધ ફલેટમાં મહેફીલ માણી હોવાના પોલીસને પુરાવા મળ્યા છે. સીસીટીવી ફુટેજ ન મળે તે માટે તસ્કરોએ ડીવીઆર તસ્કરી કર્યાનું બહાર આવ્યું છે. આ બાબતે પોલીસમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે ઇસ્કોન હાઇટસમાં રહેતા અને રબ્બરની ફેકટરી ધરાવતા પરિતોષભાઇ જયસુખભાઇ દેસાણી અને કારખાનામાં નોકરી કરતા દિનેશભાઇ લાલજીભાઇ મારડીયાના બંધ ફલેટમાંથી તસ્કરો રૂ. ૮ લાખ મતા તસ્કરી ગયા હતા. જેમાં પરિતોષભાઇ દેસાણીના ફલેટમાંથી રૂ. ૫ લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણા અને રોકડ ચોરી ગયા છે. જ્યારે દિનેશભાઇ લાલજીભાઇ મારડીયાના ફલેટમાંથી રૂ. ૩ લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણા અને રોકડ ચોરાયાનું ફરિયાદમાં જણાવ્યું છે. પરિતોષભાઇ દેસાણી બુધવારની રજા હોવાથી પરિવાર સાથે ગોમટા રહેતા માતા-પિતાને મળવા ગયા હતા. જ્યારે દિનેશભાઇ મારડીયા પરિવાર સાથે ઉપલેટા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હોવાથી બંધ રહેલા મકાનને નેપાળી ચોકીદારોએ તસ્કરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. ઇસ્કોન હાઇટસ એપાર્ટમેન્ટમાં લાંબા સમયથી ચોકીદાર તરીકે ફરજ બજાવતા બે નેપાળી ચોકીદારે અન્ય બે નેપાળીને ઇસ્કોન હાઇટસ ખાતે બોલાવી દારૂની મહેફીલ માણી બંને બંધ ફલેટમાં હાથફેરો કરી ફરાર થઇ ગયાનું ફરિયાદમાં જણાવ્યુ છે. ચારેય નેપાળીઓએ સીસીટીવી ફુટેજ ન મળે તે માટે ડીવીઆરની તસ્કરી કર્યાનું બહાર આવ્યું છે. તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ગઢવી સહિતના ટીમે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *