દુધઇમાં બંધ ઘરમાંથી 1.24 લાખની ચોરી
અંજાર તાલુકાના નવી દુધઇ ગામમાં આવેલી નિરંકારી કોલોનીમાં એક બંધ ઘરનાં તાળાં તોડી તસ્કરોએ રૂા. 1,24,375ના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. નવી દુધઇની નિરંકારી કોલોનીમાં રહી ડ્રાઇવિંગનું કામ કરનારા શખ્સના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું . આ ફરિયાદીની તબિયત બરોબર ન હોવાથી સવારના આરસામાંપોતાની પત્ની સાથે ભુજની ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા અને તેમની દીકરીને પોતાના મોટા ભાઇના ઘરે મૂકી ગયા હતા. ભુજમાં શખ્સની સારવાર ચાલુ હોવાથી તેમને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે દરમ્યાન સવારે તેમની દીકરી મોટા બાપાના ઘરેથી પોતાના ઘરે આવતાં તેમનાં મકાનનાં તાળાં તૂટેલાં જણાયાં હતાં તેમજ ઘરમાં રહેલો કબાટ પણ ખુલ્લો હતો, ફરિયાદીને જાણ કરાતાં આ શખ્સ હોસ્પિટલમાંથી રજા લઇને સવારે પરત પોતાના ઘરે દોડી આવ્યા હતા. તેમનાં બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરો અંદર ઘૂસી કબાટ ખોલી તેમાંથી રોકડ રૂા. 13,000 તથા 17.230 ગ્રામનું સોનાંનું મંગળસૂત્ર, નવ ગ્રામનાં સોનાંના સર બુટિયા, છ ગ્રામની સોનાંની ચેઇન, ચાર ગ્રામની સોનાંની બે વીંટી,0.5 ગ્રામનો સોનાનો ઓમકાર એમ કુલ રૂા.1,24,375ની ચોરી કરીને તસ્કરો નાસી ગયા હતા. . પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.હાલમાં ચોરીના બનાવોમાં વધારો થયો છે. વેકેશનમાં અમુક લોકો ગરમીની રજા માળવા બાહર જતાં હોય છે , ત્યારે તસ્કરો આવી તકનો લાભ ઉઠાવે છે.