પાયલોટીંગ સાથે કારમાં આવી રહેલા વિદેશી શરાબનો જથ્થો પકડાયો

શહેરના આજવા રસ્તા પર પાયલોટીંગ સાથે અન્ય કારમાં શહેરમાં લવાયેલા વિદેશી શરાબનો જથ્થો તેમજ ન્યુવીઆઈપી રસ્તા પર પણ કારમાં લવાયેલો વિદેશી શરાબનો જથ્થો પીસીબી પોલીસે પકડી પાડી શરાબના જથ્થા સાથે પાંચ ઇસમોઓની અટક કરી તેઓની પાસેથી ૧૬.૫૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી દાહોદના બે બૂટલેગરોનો વોન્ટેડ જાહેર કર્યા હતા. શહેરમાં આગામી દિવસોમાં યોજાનારી લોકસભાની ચૂંટણી દરમિયાન વિદેશી શરાબની રેલમછેલ કરવાના ભાગરૂપે શહેરના ન્યુવીઆઈપી રસ્તા પર માણેકપાર્ક ચાર રસ્તાથી ખોડિયારનગર ચાર રસ્તા તરફ વિદેશી શરાબનો જથ્થો ભરેલી કાર પસાર થવાની છે તેવી વિગતો મળતા પીસીબી પોલીસની ટીમે આજે ન્યુવીઆઈપીરોડ પર સાધુ વાસવાણી સ્કુલ નજીક વોચ ગોઠવી એક વોક્સ વેગન કારને પકડી પાડી હતી. કારમાંથી વિદેશી શરાબની ૨૨૮ બોટલો મળી આવતા પોલીસે કારચાલક ડેવિડ રવિન્દ્ર હઠીલા અને તેની સાથેના શરાબનો જથ્થો મંગાવનાર વિનોદ નારાયણ ખટીકની અટક કરી તેઓની પાસેથી વિદેશી શરાબના જથ્થો તેમજ કાર અને બે મોબાઈલ સહિત ૭,૨૦,૭૦૦ની મતા કબ્જે કરી હતી. જયારે બીજાબનાવમાં પીસીબી પોલીસને એવી બાતમી મળી હતી કે રોશન પટેલ નામનો શખ્સ તેની ટ્વેરા કારથી પાયલોટીંગ કરીને સયાજીપુરા વિસ્તારમાંથી સ્વિફ્ટ કારમાં વિદેશી શરાબનો જથ્થો લઈને પસાર થવાનો છે. આ બાતમીના પગલે પીસીબીની ટીમે સયાજીપુરા ટાંકી પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની સ્વિફ્ટ અને ટ્વેરા કારને ઝડપી પાડી હતી. સ્વિફ્ટ કારમાંથી પોલીસે વ્હિસ્કીના કુલ ૧૧૦૨ ક્વાટરિયા અને બિયરના ૧૫૪ ટીન જપ્ત કર્યા હતા. વિદેશી શરાબના જ્થ્થાની હેરફેર કરતા પકડાયેલા મુખ્ય શખ્સ રોશન બંસીભાઈ પટેલ( દર્શનમ રેસીડન્સી,ન્યુ સયાજીપુરા) તેમજ દાહોદથી ગાડી ચલાવી લાવનાર શક્તિરાજ ગલાભાઈ હઠીલા (અમ્બાગામ,દાહોદ) અને પાયલોટીંગ કરનાર ટ્વેરા કારનો ચાલક ભુપેન્દ્ર શનાભાઈ મકવાણા (પથરપુરા ગામ,દાહોદ)ની પોલીસે અટક કરી તેઓની પાસેથી શરાબનો જથ્થો તેમજ બે કાર અને બે મોબાઈલ સહિત ૯,૩૧,૬૦૦ની મતા કબ્જે કરી હતી. આ ગુનામાં પોલીસે દાહોદના લીમડી ખાતે રહેતા સચિન ઉર્ફ ગડ્ડુ ગડરિયા થતા મનીષને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *