રાજકોટ રેન્જનાં સ્કવોર્ડ પાંચ માસમાં રૂ.૨ કરોડનો શરાબ ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય અને રાજકોટ રેન્જનાં ૫ જિલ્લાઓમાં રેપીડ રીસપોન્સ સેલ દ્વારા છેલ્લા પાંચ માસમાં ૨ કરોડ રૂપિયાનો શરાબ પકડવામાં આવ્યો હતો. આર.આર.સેલ દ્વારા ૩૨ જેટલા નામચીન બુટલેગરોની અટક કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે, આર.આર.સેલ દ્વારા ૫ માસમાં આ સૌથી મોટા દરોડા કરવામાં આવ્યા હતા. ત્યારે લોકસભાની ચૂંટણીને ગણતરીનાં દિવસો બાકી રહેતા આર.આર.સેલ દ્વારા ખૂબજ આકરી કામગીરી કરવામાં આવી રહી છે જે નાસ્તા ફરતા બુટલેગરો છે તેના પર માર્કર મુકી દેવામાં પણ આવ્યા છે જેથી કોઈ ગેર પ્રવૃતિને અંજામ આપવામાં ન આવે. સુત્રોના જણાવ્યા મુજબ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો અસરકારક અમલ કરાવવા પોલીસ દ્વારા કડક તપાસ કરવામાં આવતી હોવા છતાં અનેક લીસ્ટેડ બુટલેગરો પોલીસની મીઠી નજર હેઠળ અથવા તો પોલીસની આંખમાં ધુળ નાખીને શરાબનો બેરોકટોક શહેરની જેમ રાજકોટ ગ્રામ્ય અને રેન્જના ૫ જિલ્લાઓમાં વેપાર પણ કરી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી જાહેર થતાં રાજયભરની પોલીસ બુટલેગરો ઉપર ધોસ બોલાવી રહી છે અને કરોડો રૂપિયાનો શરાબ માત્ર પાંચ માસમાં જ પકડી લીધો છે. રાજકોટ રેન્જમાં આવતા પાંચ જિલ્લાઓમાં છેલ્લા અણગણીત પ્રોહિબીશનનાં ગુન્હા નોંધાયા છે, જેમાં રાજકોટ ગ્રામ્ય વિંછીયા પોલીસ સ્ટેશન, પડધરી પોલીસ સ્ટેશન, દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુર પોલીસ સ્ટેશન, દ્વારકા પોલીસ સ્ટેશન, સુરેન્દ્રનગરનાં બામણબોર પોલીસ સ્ટેશન, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સહિતના અનેક પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશનનાં ગુન્હા નોંધાવામાં આવ્યા છે. ૫ માસમાં આર.આર.સેલ દ્વારા ૨ કરોડથી વધુ રૂપિયાનો શરાબ પકડવામાં આવ્યો છે. જેમાં સુરેન્દ્રનગરનાં સાયલા પોલીસ સ્ટેશનમાં આર.આર.ભરવાડ, એસ.વી.દાફડા અને રાજદિપસિંહ ઝાલા અને દિપસંગ ચિત્રા દ્વારા વિદેશી શરાબની ૩૦,૯૪૮ બોટલો ઝડપી પાડી હતી જેની કુલ કિંમત ૫૫.૫૭ લાખ ગણવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા જોગેન્દરસિંહ સહિત ત્રણ ઇસમોની અટક કરી પ્રોહિબીશન એકટ અંગેનો ગુનો નોંધણી કર્યો હતો. એવી જ રીતે જામનગરનાં પંચકોષી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશને લઈ અનેકવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યા હતાં, જેમાં આર.આર.સેલની ટીમ દ્વારા વિદેશી શરાબની કુલ ૧૪,૧૧૨ બોટલ પકડવામાં આવી હતી જેની કિંમત કુલ ૪૯.૩૯ લાખ આંકવામાં આવી હતી. આ દરોડામાં આર.આર.સેલ દ્વારા બુટલેગર વિપુલ શીયાર સહિત કુલ ૮ ઇસમોની અટક કરવામાં આવી હતી. જયારે મોરબીની હદમાં આવતા હળવદ પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબીશન અંગે ગુન્હા નોંધવામાં આવ્યા હતાં. જેમાં શક્તિસિંહ ઝાલા સહિતનાં પોલીસ અધિકારીઓએ વિદેશી શરાબની ૧૨૬૬૦ બોટલ જેની કિંમત ૪૬.૫૪ લાખ આંકવામાં આવી છે. સાથો સાથ ૩.૩૬ લાખના ૩૩૬૦ બીયર ટીન એમ કુલ મળી ૪૯.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ચૂંટણીને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહેતા બધા મોટા-નાના બુટલેગરો પર પોલીસે લાલ આંખ કરી છે. આર.આર.સેલ દ્વારા નામચીન બુટલેગર જેવા કે, દિપક ટીંબલ, ભરત ઉર્ફે ભગો રાઠોડ, સાગર ઉર્ફે મનીષ નંદાણીયા, મનીષ નકુમ, મોહંમદ બીલાલ, રવિ ઓવસીયા, નઝીર ઉર્ફે વલો હુસેન જામ, સુનીલકુમાર, ઉમેદ ઉર્ફે લાલો શ્રવણ, જગદીશ ઉર્ફે જગો મારૂ, ફરારી અને ભરતભાઈ, બીરેન્દ્રસિંઘ રાજપુત, અસલ મુલતાની સહિતના બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા છે.