મુન્દ્રાના પત્રી ગામે પોલીસે બાતમીના આધારે રેડ પાડીને જાહેરમાં વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમાડતા એક ઈસમને 13,370ની રોકડ અને 5,000 ના મોબાઇલ સહિત 18,370ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો જ્યારે અન્ય એક ઈસમ નાશી છુટવામાં સફળ રહયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શુક્રવારે બપોરના અરસમાં રેડ પાડવામાં આવી હતી. પત્રી ગામે બજાર ચોકમાં આવેલી ભગવતી કોલ્ડ્રીંક નામની દુકાનમાં જાહેરમાં વરલી મટકાનો આંકડાનો જુગાર રમાડતા દિપક મોહનલાલ રાજગોર (ઉ.વ.28)ને 13,370ની રોકડ તેમજ 5,000 ના મોબાઇલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે મુન્દ્રાનો સિકંદર કકલ નામનો ઈસમ પોલીસને થાપ આપી નાશી છૂટયો હતો. બંને વિરૂધ મુન્દ્રા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.