ગાંધીનગર જિલ્લામાં હાલ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે ખાસ દોડધામ કરવામાં આવી છે. જેના પગલે ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના આધારે ચિલોડા નજીકથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે એક શંકુને પકડી પાડયો હતો અને ટ્રકમાં તલાસી કરતાં વિદેશી દારૂનો ૧ર.૩૦ લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક મળી કુલ રર.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ દારૂ કયાં પહોંચાડવાનો હતો તે જાણવા માટે વધુ કાર્યવાહી શરૂ કરી હતી. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને જિલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશન ડ્રાઈવ સઘન બનાવવામાં આવી છે ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઈ નીરજ પટેલ દ્વારા પોલીસ જવાનોને પેટ્રોલીંગમાં રહી દારૂની હેરાફેરી કરતાં વાહનો પકડવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેકો મહેન્દ્રસિંહ અને કો. વિપુલભાઈને બાતમી મળી હતી કે ટ્રક નંબર જીજે ૧૮ એક્સ ૯૨૦૧માં વિદેશી દારૂનો જથ્થો ખેરવાડા રાજસ્થાનથી ભરીને અમદાવાદ તરફ જઈ રહયો છે જે બાતમીના આધારે ચંદ્રાલા નજીક આ ટ્રક પકડી લેવામાં આવી હતી અને તેના ચાલક દિપક લલીભાઈ જોષી રહે.ઉદયપુર રાજસ્થાનને પકડી પાડી ટ્રકમાંથી વિદેશી દારૂની ૩૦૮૪ બોટલ અને ટ્રક મળી કુલ રર.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે ચિલોડા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો. બીજી બાજુ રખિયાલ પોલીસના પીએસઆઈ વી.બી.દેસાઈ અને ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એક વિદેશી દારૂ ભરેલી કાર પકડી લેવામાં આવી હતી અને તેમાંથી ૬૦૧ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે મોતીરામ તુકારામ ડાંગી તેમજ શંકરલાલ માલારામ ડાંગી બંને રહે.માવલી, ઉદયપુર રાજસ્થાન પકડી લેવામાં આવ્યા હતા અને કુલ ૩.૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તો ડભોડા પોલીસની ટીમે પણ રણાસણ પાસેથી વિદેશી દારૂ ભરેલું પીકઅપ ડાલુ જપ્ત કર્યું હતું અને તેમાંથી ૬૨૪ બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવી હતી.