ભુજના વકીલે મથડાના વૃદ્ધની 2.50 લાખની લોન ચાંઉ કરી
copy image

ભુજના વકીલે અંજાર તાલુકાના મથડાના વૃદ્ધ સાથે 2.50 લાખની લોન સંબંધિત છેતરપિંડી કરતાં તેની સામે ફોજદારી ફરિયાદ નોંધાવાઈ હતી . મથડાના વૃદ્ધએ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનિસાર તેઓ વર્ષ 2019માં ફેબ્રુઆરીના અંતમાં ભુજમાં આશાપુરા રિંગરોડ પર આવેલી વકીલની ઓફિસે ઘરના રિપેરિંગની લોન લેવાની કાર્યવાહી માટે ગયા હતા અને અરજી આપી હતી, ત્યારે વકીલે કહ્યું કે, હાલ લોન મંજૂર નહીં થાય અને થાશે એટલે જાણ કરીશું. બાદમાં 2022માં વકીલનો ફોન આવ્યો કે તમે જે અરજી આપી ગયા હતા તે લોન મંજૂર થઈ ગઈ છે, તમારા પતિ-પત્નીના ડોક્યુમેન્ટ્સ અને બેન્ક ખાતાની વિગતો આપો, આથી ફરિયાદીએ આધારો, બેન્ક ખાતાની વિગત અને બે-ત્રણ ચેક આપ્યા હતા. બાદમાં ફોટો લેવા માણસ આવ્યો હતો. બાદમાં વકીલને ફોન પર લોન અંગે પૂછતાં જવાબ આપ્યો કે, સરકારી કામ છે, લોન આવી જશે. બે મહિના પહેલાં ફરિયાદીને નોટિસ આવી અને આ નોટિસ લઈને ફરિયાદી આરોપી વકીલ પાસે જતા તેમણે કહ્યું કે, મારા માણસોએ મારી સાથે ગદ્દારી કરી છે, હું તમારા રૂપિયા ભરાવી આપીશ એક પણ રૂપિયો ભરતા નહીં, એક નોટરી લખાણ કરી આપું છું જે બેન્કમાં આપી દેશું, થોડા દિવસો બાદ ફરી બીજી નોટિસ આવી અને ફાઈનાન્સવાળાએ ફોન પર જણાવ્યું કે, તમારા મકાન ઉપર રૂા. 2,50,000ની લોન લીધેલી છે. જે ભરી દેજો, તપાસ કરતા લોનના પૈસા આરોપી વકીલ એ કાઢી લીધા હતા. આ બાદ વકીલે ફોન ઉપાડયો નહીં અને ઓફિસે તપાસ કરતાં ઓફિસ પણ બંધ જણાઈ, આમ ફરિયાદી સાથે ઠગાઈ થયાનું ધ્યાને આવતાં તેણે આરોપી વકીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.