ચંદ્રનગર ખોખરામાં ઝઘડાનું બે જૂથ વચ્ચે મનદુઃખ રાખી ધિંગાણું, ચાર ઘાયલ
અંજાર તાલુકાના ચંદ્રનગર ખોખરામાં બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. મારામારીના આ બનાવમાં બંને પક્ષના ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી હતી. ચંદ્રનગર ખોખરાના રબારીવાસમાં રહેનાર શખ્સએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ગામમાં વડવાળા નામની પાન-મસાલાની દુકાન ચલાવે છે . ગત તા. 1/6ના સાંજના ફરિયાદી તથા તેમના મિત્ર દુકાને હતા ત્યારે બાજુની દુકાનવાળા આરોપી અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી ત્યાં આવી ફરિયાદીને લાકડી મારવા જતાં તેના મિત્રએ હાથ આડો કરતાં તેને લાકડી લાગી હતી. બાદમાં આ બંનેને માર મારવામાં આવ્યો હતો. થોડીવારમાં બે શખ્સો પણ ત્યાં આવી ધોકા વડે હુમલો કર્યો હતો. બાદમાં આરોપી કાર લઇ આવી ફરિયાદી તથા તેના મિત્ર પર જીવ લેવાના ઇરાદે ચડાવવા જતાં ફરિયાદી હટી ગયા હતા જ્યારે તેના મિત્રને તેમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે રાડારાડ થતાં અરોપી નાસી ગયા હતા. ઘવાયેલા આ બંનેને સારવાર અર્થે લઇ જવાયા હતા. બીજીબાજુ આ પક્ષે પણ ફરિયાદ નોંધાવી હતી. કરિયાણાની દુકાન ચલાવતા આ ફરિયાદી અને તેમનો દીકરો ગત તા. 1/6ના સાંજના અરસામાં પોતાની દુકાને હતા ત્યારે બે શખ્સો દુકાને આવી ગાળો આપી ફરિયાદી પાસેથી રોકડ રૂા. 3000 પડાવી લીધા હતા અને લોખંડના પાઇપથી ફરિયાદીને માર માર્યો હતો. તેવામાં તેમનો દીકરો ગાડી લઇને આવતાં ચાર અન્ય શખ્સો ધોકા લઇને ત્યાં આવી ગાડીને ઊભી રખાવી ગાડી ઉપર ચારે બાજુથી ધોકા વડે હુમલો કર્યો હતો. રાડારાડના પગલે લોકો એકઠા થતાં આરોપી નાસી ગયા હતા. ફરિયાદીને પંચાયતમાં થતી ગેરરીતિ અનુસંધાને જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરીમાં અરજીઓ કરી હતી જેનું મનદુ:ખ રાખી તેમના પર હુમલો કરાયો હતો. ઘવાયેલા ફરિયાદીને સારવાર માટે લઇ જવાયો હતો. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.