હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ ભારતના પહેલા ચોમાસાની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે 30 મેથી કેરળમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જે નૈઋત્યના ચોમાસા તરીકે ઓળખાય છે. જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. તેથી આજથી આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ આવી શકે છે. આજથી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ રહી છે, જે ચાર દિવસ પછી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં વિધિવત ચોમાસુ બેસી જશે.ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદની સંભાવના દર્શાવી છે. જેમાં તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી સહિત છોટાઉદેપુર અને દાહોદમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આવતીકાલે પણ વાદળોની ગર્જના સાથે આ જિલ્લાઓમાં વરસાદ રહેશે. ત્રીજા દિવસે એટલે કે, 7 જૂનના દિવસે નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે.મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા અગાઉ 8 અને 9 જૂન માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી. આજની હવામાન વિભાગની આગાહી અનુસાર 8 જૂનના દિવસે દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, વલસાડ, ડાંગ, નર્મદા, દમણ, દાદરા અને નગર હવેલી ઉપરાંત પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, આણંદ તથા સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં મેઘગર્જના સહિત હળવો વરસાદ વરસી શકે છે. 9 જૂનના રોજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે