ફાયર સ્ટાફ દ્વારા ભુજની પ્રિન્સ અને KBN હોટલ સીલ કરવામાં આવી
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશ મુજબ કચ્છ જિલ્લામાં પણ વહીવટી તંત્રની ખાસ ટિમ દ્વારા વિવિધ સ્થળે સલામતીના સાધનો અને પુરાવાઓ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ મામલે લોકસભા ચૂંટણીની મતગણતરીના કાર્યને લઈ બે દિવસના અંતરાલ બાદ ફરી તંત્ર સક્રિય થયું છે અને મોટા વ્યવસાયિક પ્રતિસ્થાનો ઉપર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે તાલુકા મથક ભચાઉમા વિવિધ સ્થળે તપાસ કામગીરી કરાયા બાદ આજે જિલ્લા મથક ભુજ શહેરમાં પણ તંત્રએ તપાસ હાથ ધરી છે. જેમાં સ્ટેશન રોડ સ્થિત જાણીતી પ્રિન્સ હોટેલ તથા કેબીએન હોટેલને ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવી છે.આ અંગે ભુજ ચીફ ઓફિસર જીગર પટેલે કામગીરી પૂર્ણ થયા બાદ રિપોર્ટ તૈયાર થયા બાદ પૂરક વિગતો જણાવવાનું કહ્યું હતું જોકે તેમણે પ્રિન્સ હોટેલમાં ફાયર વિભાગ દ્વારા કામગીરી કરાઈ છે. સૂત્રો દ્વ્રારા મળતી માહિતી મુજબ સ્ટેશન રોડ ખાતેની પ્રિન્સ હોટલ તેમજ હોટેલ કેબીએનમાં ફાયર સેફટીના સાધનો અને ફાયર એનઓસી ના હોવાથી હાલ ફાયર વિભાગ દ્વારા સીલ લગાવી દેવામાં આવ્યા છે. આજ વિસ્તારની અન્ય હોટેલમાં પણ ફાયર સ્ટાફ દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ ભાડાને સાથે રાખી તપાસ કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે આ પૂર્વે ભુજના ગેમઝોન બાદ રેસ્ટોરન્ટ ઉપર પણ શીલ લગાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. રેસ્ટોરન્ટ બાદ હવે મોટી હોટલો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે.