ભુજમાં મહિલાને મરવા મજબૂર કરનારા આરોપીઓ હજુયે ફરાર: તપાસ અન્યને સોંપવા માંગ
ભુજ એપ્રિલના મધ્યમાં શહેરમાં પાણીના કકળાટ વચ્ચે લોટસ કોલોનીમાં પાણીનું ટેન્કર આવ્યા બાદ પાણી ભરવા મુદ્દે પડોશીઓથી ઝઘડાને લઇને વિધવા મહિલાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધા હતો અને સ્યૂસાઇડ નોટ લખી હતી, જેને લઇ મૃતકની દીકરીએ 12 પડોશીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ચકચારી બનાવમાં 14-4ના ગુનો દાખલ થયા બાદ આરોપીઓ નાસતા ફરે છે. આરોપીઓએ આગોતરા જામીન મેળવવા અદાલતમાં કરેલી અરજી પણ નામંજૂર થઇ છે. આ બનાવની તપાસકર્તા પી.એસ.આઇ.નો લોકોએ સંપર્ક કરી નાસતા આરોપીઓની અટક કેમ નથી થઇ તેવું પૂછતા ઉડાઉ જવાબ આપ્યો હતો, તેવો આવેદનપત્રમાં આક્ષેપ કરી સમાજના અનેક લોકોની સહી સાથે આવેદનપત્ર સરહદી રેન્જ-ભુજના પોલીસ મહાનિરીક્ષકને આપી માંગ કરી છે. આ કેસમાં તપાસકર્તા અધિકારી આરોપીઓને છાવરતા હોવાથી ગુનાની તપાસ અન્ય તટસ્થ અધિકારીને સોંપી આરોપીઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી.