ગાંધીધામમાં વેપારીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા પત્રકાર સહિત આઠ સામે ફરિયાદ
ગાંધીધામની મુખ્ય બજાર નજીક વોર્ડ 12-બી વિસ્તારમાં આવેલી એક દુકાનમાં સુરક્ષાના સાધનો રાખેલાં નથી, તેવું કહી ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાંચ માગનારા આઠ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી મેઘપર બોરીચીમાં રહેનારા વેપારીએ પત્રકાર અને અન્ય સાત શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામના વોર્ડ 12-બીમાં પ્લોટ નં. 327, આઇકન કોમર્શિયલ બિલ્ડિંગમાં યશ સેલ્સ નામની ભાડાની દુકાન આ ફરિયાદી ચલાવે છે. જેમાં ઇલેક્ટ્રિક વસ્તુઓનું વેચાણ કરાય છે. ગત તા. 2-6ના ફરિયાદી બજારમાં હતા ત્યારે મેનેજરએ ફરિયાદીને ફોન કરી એક વ્યક્તિ કચ્છ પ્રભાતનો રિપોર્ટર છું, દુકાનમાં ફાયર સેફટીના સાધનો, એનઓસી કયાં છે તેવું કહે છે. મેનેજરે શેઠથી વાત કરવાનું કહેતાં આ શખ્સે આ બધી લપમાં ન પડવું હોય તો મને ખર્ચા-પાણી અથવા એક એસી આપો તેવી માંગ કરી હતી. જેની ફરિયાદીએ ના પાડતાં આ શખ્સે વસ્તુ દેવી પડશે, નહીંતર તારી વિરુદ્ધ ખોટો એટ્રોસિટીનો કેસ કરીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો. બાદમાં ફરિયાદી દુકાને જતાં મેનેજરે આ શખ્સ કચ્છ પ્રભાતનો તંત્રી હોવાનું કહ્યું હતું. બાદમાં સાંજના આ શખ્સ તથા અન્ય શખ્સો મોબાઇલ લઇને વીડિયો રેકોર્ડિંગ કરતા ફરિયાદીએ ના પાડી હતી. દરમ્યાન આ શખ્સે કેસ કરવાની ધમકી આપી અન્ય પાંચ શખ્સને બોલાવ્યા હતા અને રેકોર્ડિંગ કરવાનું ચાલુ કર્યું હતું. ફરિયાદીએ તમામને દુકાનમાંથી બહાર કાઢી મુકયા હતા. બહાર ઊભા રહીને આ શખ્સો અમે પત્રકાર છીએ તથા ફરિયાદ કરીશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા. પોલીસે આ બનાવ અંગે લાંચ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .