માનકૂવાના દંપતીના નામે લોન કરાવી 3.20 લાખની ઠગાઇ
લોન પાસ કરાવી દેવાના બહાને ઠગાઇ કરવાના બનાવો વધ્યા છે, ત્યારે આવી રીતે માનકૂવાના દંપતીની રૂા. 3,20,690ની લોન મંજૂર કરાવી બારોબાર ખાતાં ખોલી નાણાં ચાઉં કરી લેવાતા ભુજના ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જૂન-2022થી 24/9/23 દરમ્યાન થયેલી આ છેતરપિંડી અંગે માનકૂવા પોલીસ મથકે માનકૂવા-નવાવાસના શખ્સે નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદી તથા ફરિયાદીના પત્નીના નામે ઇલેક્ટ્રોનિકા ફાયનાન્સ લિ. કંપનીમાં સરકારની મુદ્રા યોજના હેઠળ લોન મંજૂર કરાવી આપશે, તેવો ભરોસો આપી તેમની પાસેથી અસલ દસ્તાવેજો મેળવી લીધા હતા. આ દસ્તાવેજોના આધારે ફરિયાદીની જાણ બહાર જ રૂા. 3,20,690ની લોન મંજૂર કરાવી તેમજ ફરિયાદીના નામનું એક્સિસ બેંક-કેરામાં ખાતું ખોલાવી લીધું હતું. લાઇવ ફોટામાં ફરિયાદીની જગ્યાએ આરોપી ઊભો રહી ફોટો પડાવી લીધો અને ખાતું ખોલાવવાના ફોર્મમાં ફરિયાદીના મો.નં.ની જગ્યાએ આરોપીના નંબર નાખી ખોટી સહીઓ કરીને ફરિયાદીના નામનું ખોટું ખાતું ખોલાવી નાખ્યું હતું. આ ખાતામાં ફરિયાદીની જાણ બહાર મંજૂર થયેલી લોનના રૂા. 3,20,690 ખાતામાં જમા કરાવી તે નાણાં બારોબાર ઉપાડી લઇ છેતરપિંડી-વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઇ હતી . અત્રે ઉલ્લેખનીય છે કે, મથડાના પ્રૌઢ સાથે પણ મકાન રિપેરિંગની બારોબાર લોન મેળવી ચાઉં કરી જવાતાં આરોપી ભુજના વિરુદ્ધ દશેક દિવસ અગાઉ જ ગુનો દાખલ થયો હતો. ઉપરોક્ત ફરિયાદમાં પણ આરોપીનું નામ આવતાં બંને ગુનાનો એક જ આરોપી છે કે નહીં તે અંગે માનકૂવા પોલીસનો સંપર્ક કરતાં આ અંગે અજાણતા દર્શાવાઇ હતી.