ખડીરના કલ્યાણપરમાં પૂર્વજોની ડેરી ઉપરના કળશ તોડી નુકસાન પહોચડતા ફરિયાદ નોંધાઈ
ભચાઉ તાલુકાના ખડીર પંથકમાં આવેલા કલ્યાણપર ગામમાં પૂર્વજોની પાંચ ડેરીઓ ઉપર બનાવેલા કળશ કોઈ શખ્સોએ તોડી નાખતાં બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. કલ્યાણપર ગામના આહીરવાસમાં રહી ખેતીકામ કરતા શખ્સે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગામમાં ઉત્તર દિશા તરફ તળાવ પાસે ફરિયાદીના સમાજના પૂર્વજો શૂરાપૂરા દાદાની પાંચ ડેરીઓ આવેલી છે. જેને આહીર સમાજના લોકો પૂજે છે. સમાજના દાદા, પરદાદા જે હિંગલાજ માતાના દર્શન કરી પરત આવ્યા હોય અને તેવા વ્યક્તિઓનું દેહાંત થતાં તેમની યાદ માટે અહીં સમાધિ બનાવી ડેરીઓ બનાવવામાં આવી છે. જેમાં ફરિયાદીના દાદાની પણ ડેરી બનાવાઈ છે જેના ઉપર સિમેન્ટના કળશ બનાવવામાં આવ્યા છે. ગત તા. 11/6ના ફરિયાદી ત્યાં દીવો-અગરબત્તી કરવા જતાં બધું બરાબર હતું , પરંતુ સાંજના અરસામાં પરત દીવો કરવા જતાં પાંચ ડેરીઓના કળશ કોઈ શખ્સોએ તોડી તેમાં નુકસાન પહોંચાડયું હતું. ધાર્મિક લાગણી દુભાવવાના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી