ગાંધીધામના ચુડવામાં ભંગારના વાડામાંથી 1.27 લાખના ભંગારની ચોરી

copy image

copy image

ગાંધીધામ તાલુકાના ચુડવાની સીમમાં આવેલા ભંગારના વાડાની દીવાલ કૂદી ત્રણથી ચાર ઇસમોએ રૂા. 1,27,500ના ભંગારની ચોરી કરી નાસી ગયા હતા. ગાંધીધામનાં ભારતનગર વિસ્તારમાં રહેનાર ફરિયાદી તથા અન્ય બે શખ્સો ભાગીદારીમાં ભંગારનો વ્યવસાય કરે છે તે માટે ચુડવા સીમમાં ક્રિષ્ના પ્લોટમાં એક પ્લોટ ભાડે રાખી તેમાં શ્રી એન્ટરપ્રાઇઝ નામનો ભંગારનો વાડો બનાવાયો છે, જેમાં વિદેશથી આવતો ભંગાર સંગ્રહ કરી બાદમાં છૂટો પાડી વેચવામાં આવે છે. ફરિયાદી સાંજના અરસામાં આ વાડા પર જતાં ભંગારના કોથળા ઓછા જણાયા હતા. જેથી તેમને શંકા જતાં ચોકીદાર, મજૂરોને બોલાવી તપાસ કરી હતી. બાદમાં વાડામાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરતાં તા. 15-6ના રાત્રે 11 વાગ્યે તથા તા. 16-6ના વહેલી સવારે ત્રણથી ચાર અજાણ્યા શખ્સો વાડાની દીવાલ કૂદી અંદર આવી ભંગારની ચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું. આ શખ્સોએ વાડામાંથી 300 કિલો એલ્યુમિનિયમનો ક્રેપ, 150 કિલો એલ્યુમિનિયમ વાયર તથા 50 કિલો કોપર એમ કુલ્લ રૂા. 1,27,500ના ભંગારની ચોરી કરી નાસી ગયા હતા. આટલી મોટી માત્રામાં ભંગારની ચોરી કરવા આવેલા શખ્સો મોટું વાહન લઇને આવ્યા હોવાની શંકાના આધારે આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.