રાપરના ચિત્રોડમાં બારીની ગ્રિલ તોડી 5.75 લાખની ચોરી  

copy image

copy image

રાપર તાલુકાના ચિત્રોડમાં આવેલા ઈન્દિરા આવાસમાં પરિવારજનો ઘરનાં આંગણામાં સૂતા હતા, તે દરમ્યાન નિશાચરો ઘરમાં ઘૂસી અંદરથી રૂા. 5,75,800ની મતાની ચોરી  કરી નાસી ગયા હતા. ચિત્રોડમાં ઈન્દિરા આવાસમાં ગત રાત્રે 12:30થી  સવારના  7 વાગ્યા દરમ્યાન ચોરીનો આ બનાવ બન્યો હતો. અહીં રહેતા અને એસઈપીપીએલમાં નોકરી કરનાર ફરિયાદી દિનેશ માંડણ રાઠોડ અને તેમનો પરિવાર ગત રાત્રે વાળુપાણી કરી ઘરે બેસી વાતો કરતા હતા. બાદમાં 10 વાગ્યાના અરસામાં ઘરના બધા સભ્યો આંગણામાં સૂઈ ગયા હતા. ફરિયાદી રાત્રે 12:30 સુધી જાગ્યા બાદ પોતે પણ સૂઈ ગયા હતા. સવારના  7 વાગ્યે ઊઠી ફરિયાદી પોતાનો મોબાઈલ ચાર્જિંગમાં મૂકવા ઘરમાં જતાં દરવાજો અંદરથી બંધ જણાયો હતો, જેથી આ યુવાન ગેલેરી વાટે પાછળ જઈ ગેલેરીમાંથી મકાનમાં જોતાં રૂમ અંદરથી બંધ હતો એટલે યુવાને ઘરના અન્ય સભ્યોને જગાડયા બાદ બંધ દરવાજાને લાત મારી ખોલી નાખ્યો હતો. અંદર જતાં તિજોરીમાંથી સરસામાન વેરવિખેર જણાયું હતું. તિજોરીનું એક ખાનું કાઢી પલંગ ઉપર રાખેલું જણાયું હતું અને મકાનની એક બારીની ગ્રિલ તૂટેલી જણાઈ હતી. નિશાચરોએ આ બારીની ગ્રિલ તોડી અંદર ઘૂસી ઘરમાંથી રોકડ રૂા. 1,50,000 તથા યુવા મંડળીના રૂા. 17,000 અને 25 ગ્રામનો સોનાંનો એક હાર, 25 ગ્રામ સોનાંની ચેઈન નંગ-2, 20 ગ્રામની સોનાંની વીટી નંગ-10, 600 ગ્રામના પગમાં પહેરવાના ચાંદીના ઝાંઝર જોડી નંગ-બે, 300 ગ્રામનો કમરમાં પહેરવાનો ચાંદીનો જૂડો, 30 ગ્રામનું ચાંદીનું મંગળસૂત્ર, 50 ગ્રામની ચાંદીની બંગડી નંગ-બે એમ કુલ રૂા. 5,75,800ની મતાનો હાથ મારી નાસી ગયા હતા. પરિવારજનોને આંગણામાં સૂતેલા રાખી નિશાચરોએ બારીની ગ્રિલ તોડી લાખોની મતાની ચોરી કરતાં ભારે ચકચાર પ્રસરી હતી.