રાપરની યુવતીને ભાવિ સાસરિયાઓએ માર મારતાં છઠ્ઠા માળેથી ઝંપલાવીને જિંદગી ટૂંકાવી
copy image

રાપરની 19 વર્ષીય પલક મુકેશભાઈ સોની અને તેના ભાઈને નાની અમથી એવી વાતને લઈ ભાવિ સસારિયાએ એટલી હદે બોલાચાલી સાથે ઝઘડો કર્યો કે પલકે છઠ્ઠા માળથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો. સમગ્ર સોની સમાજમાં અરેરાટી સર્જાનારા અમદાવાદના નરોડામાં ચોથી મેના બનેલા આ કરુણ બનાવમાં હતભાગી પલકની માતાએ ભાવિ સાસરિયાના ચાર શખ્સ વિરુદ્ધ મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના નરોડા પોલીસ મથકે 19મીએ પારુલબેન મુકેશભાઈ સોની (રહે. અયોધ્યાપુરી, રાપર)એ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમની 19 વર્ષીય પુત્રી પલક અમદાવાદમાં કોલેજમાં બીજા વર્ષમાં ભણતી હતી. સવા વર્ષ અગાઉ પલકની સગાઈ નરોડામાં પાર્થ સંજયભાઈ સોની સાથે રંગેચંગે થઈ હતી. પરીક્ષા હોય કે સાસરિયામાં પ્રસંગ ત્યારે પલક અમદાવાદ આવતી હતી. પરીક્ષા હોઈ પલક સાસરિયામાં રોકાયેલી હતી. ત્રીજી મેના પલકનો ભાઈ દિવ્ય પણ અમદાવાદ આવ્યો હતો. દિવ્ય 11મા ધોરણમાં પ્રથમ ક્રમે પાસ થતાં ચોથી મેના રાત્રે પાર્થ અને દેવાંગ, પિતા સંજયભાઈ અને માતા ભાવનાબેને તેની પાસે પાર્ટી માગી હતી. આથી બધા માણેક ચોકમાં નાસ્તો કરવા ગયા હતા. જેના બિલ રૂા. 590 આવ્યો હતો. દિવ્ય પર્સ ઘરે ભૂલી આવ્યો હોવાથી તેણે જીજાજીને પૈસા ચૂકવી આપવા વિનંતી કરતાં તે ગુસ્સે થઈ પલકને સંભળાવા લાગ્યા, જેથી પલકે બિલ આપી દીધો હતો. ત્યારબાદ બાઈક પર પાર્થ પલકને સતત જેમ-તેમ બોલતો હતો .ઘરે પહોંચતા પણ પાર્થ-દેવાંગે ઝઘડો કર્યો હતો. ઝઘડાનો અવાજ બાજુવાળા સાંભળી ન જાય તે અર્થે સંજયભાઈએ ટીવી ઊંચા અવાજ સાથે ચાલુ કરી દીધું હતું અને માતા ભાવનાબેને દરવાજો બંધ કરી દીધો હતો. પલકે મામાને ફોન કરતાં બધા તેની સાથે ઝડઘયા હતા. આથી પલકે એપાર્ટમેન્ટના છઠ્ઠા માળની બાલ્કનીમાંથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. પોલીસે આરોપીઓ પાર્થ સંજયભાઈ સોની, સંજયભાઈ લવજીભાઈ સોની, ભાવનાબેન સંજયભાઈ સોની, દેવાંગ સંજયભાઈ સોની વિરુદ્ધ મરવા મજબૂર કર્યા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.