અંજારના બંગાળી કારીગર વિરુદ્ધ વધુ ૩૪ લાખની ઠગાઈની પોલીસ ફરિયાદ
અંજારમાં સોની વેપારીઓ પાસેથી દાગીના, સોનું લઈને નાસી ગયેલા બંગાળી કારીગર અન્ય લોકોનો માલ પણ લઈ ગયો હતો. પારિવારિક સંબંધ બનાવીને આ બંગાળી કારીગરે અન્ય લોકો પાસેથી રૂા. 34 લાખના દાગીના મેળવીને રફુચક્કર થઈ ગયો હતો. અંજારના પ્રભાત નગરમાં રહેતા અમરતબેન દેવરામ બાંભણિયાએ બંગાળી કારીગર તપન સાહુ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી મહિલાની ત્રણ દીકરી અને બે પુત્રવધૂ આ ઘનશ્યામ વર્કશોપ નામની દુકાન ચલાવતા બંગાળી કારીગરને દાગીના બનાવવા આપતા હતા. આ આરોપી સોની વેપારીઓ પાસેથી સોનાં – ચાંદીના દાગીના બનાવવાનું કામ રાખતો હતો અને ફરિયાદીને ચાંદીના દાગીનાનું ઝીણું કામ, મોતી બનાવવા, ફિટ કરવા, સાંતડી બનાવવી, ઝૂમખા બનાવવાનું કામ આપતો હતો. ફરિયાદી મહિલા અને બંગાળી કારીગર છેલ્લા સાતેક વર્ષથી સંપર્કમાં હતા અને પારિવારિક સંબંધો હતા. મહિલાની બંને પુત્રવધૂ અને ત્રણ દીકરીને સોનાંના હાર બનાવવાના હોવાથી આ બંગાળી કારીગરને પાંચ હાર બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. હાર બનાવવા માટે તેમણે કારીગરને રૂા. 18 લાખ આપ્યા હતા તેમજ મહિલાના પોતાના સોનાંના દાગીના જેમાં 60 ગ્રામનો સોનાંનો હાર, 25 ગ્રામનો હાથમાં પહેરવાની વીંટીઓનો પંજો, માથાંમાં પહેરવાની સોનાંની પીન નંગ-બે, જૂની થયેલી હોવાથી મરમ્મત માટે આપ્યા હતા તથા લંડન ખાતે રહેતા ફરિયાદીની દીકરી સરોજબેને હાથમાં પહેરવાનો સોનાંનો પાટલો બનાવવા રૂા. 10 લાખ બેંક મારફતે આઠ મહિના પહેલાં આ શખ્સને મોકલાવ્યા હતા. સાતેક મહિના અગાઉ ફરિયાદીએ આ દાગીના બનાવી આપવા તથા મરમ્મત થઈ ગયા હોય તો પરત આપવા માંગ કરી હતી. દરમ્યાન આ શખ્સે બહાના બનાવ્યા હતા અને ભરોસો ન હોય તો પોતાની બેંકના ચેક આપી દેવા જણાવ્યું હતું. બાદમાં આ શખ્સનો સંપર્ક કરતાં તેનો ફોન બંધ આવ્યો હતો. બાદમાં તેના ઘરે જતાં તેની પત્નીએ તમારા જેવા કેટલાયના દાગીના લઈને આ તપન સાહુ ચાલ્યો ગયો છે. બીજીવાર આવશો તો કેસ કરવાની રીટા તપન સાહુએ ધમકી આપી હતી. પોલીસે આ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી