સામખિયાળી પાસે ટ્રેનમાં 3 વર્ષીય બાળકને તરછોડી માતા ફરાર
copy image

સામખિયાળી નજીક ચાલુ ટ્રેનમાંથી 3 વર્ષીય એક બાળક મળી આવ્યું હતું. જે અંગે રેલવે પોલીસે તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. બાળકને તેની માતા ત્યજીને નાસી ગઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી બાદમાં આ મહિલાને પકડી પાડી હતી. ભુજથી ગત તા. 21/6ના ઉપડેલી સયાજી નગરી ટ્રેન ગાંધીધામ થઈને સામખિયાળી પહોંચી હતી. જ્યાં આરપીએફના જવાન જનરલ ડબ્બામાં તપાસ કરી રહ્યા હતા ત્યારે 3 વર્ષીય માસુમ બાળક એકલો મળી આવ્યો હતો તેના પરિવારજનો ન જણાતા તેને ગાંધીધામ રેલવે પોલીસ લાવી ત્યાં નોંધ કરવામાં આવી હતી. જેના આધારે રેલવે પોલીસે તાપસ હાથ ધરી હતી. આ ટ્રેન ભુજથી ઉપડતી હોવાથી પોલીસે ભુજ રેલવે મથકે લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા હતા જેમાં તા. 21/6ના ટ્રેન ઉપડવાના સમયે આ બાળક સાથે પાતળા બાંધાની .. જેવો બ્લુ રંગનો કુર્તો, કેસરી ઓઢળી ઓઢી હોવાનું તથા ટી શર્ટ અને કેસરી ટોપી પહેરેલ એક પુરુષ સાથે જણાયો હતો. ટ્રેન ઉપડતા પુરુષ નીચે ઉતરી ગયો હતો. અને મહિલા તથા બાળક ટ્રેનમાં રહ્યા હતા. બાદમાં ગાંધીધામ રેલવે મથકે લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. જ્યાં બાળકને ટ્રેનમાં એકલો મૂકીને આ મહિલા રેલવે મથકમાંથી બહાર નીકળતી હોવાનું જણાયું હતું. પોતાના બાળકને સંપૂર્ણ રીતે ત્યજી દેવાના ઈરાદાથી આ મહિલા તેને અરક્ષિત મૂકીને નાસી ગઈ હતી. તેના વિરુદ્ધ ગુનો દર્જ કરી આ મહિલાને પોલીસે પકડી પાડી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં મૂળ અમદાવાદની આ મહિલાના લગ્ન અગાઉ પાલનપુર બાજુ થયા હતા જ્યાં લગ્નજીવનમાં તેને આ બાળકની પ્રાપ્તિ થઈ હતી પરંતુ બાદમાં આ દંપતીના છૂટાછેડા થતા મહિલા બાળક સાથે અમદાવાદ જતી રહી હતી. જ્યાં તેને એક બિહાર નો શખ્સ મળ્યો હતો અને કામ અપાવવાનું કહ્યું હતું. ભુજમાં આવી બંને સાથે રહી મજૂરી કરતા હતા. પરંતુ ત્યાં શેઠએ બાળકને કામ પર લાગી જવાનું કહી તેને કામ પર ન લઈ આવવા જણાવ્યું હતું. જેથી મહિલા અને બિહાર શખ્સે બાળકને નાનીને ત્યાં અમદાવાદ મૂકી આવવા નિર્ણય કર્યો હતો. મહિલા તેને અમદાવાદ ખાતે નાનીને ત્યાં મૂકવા જઈ રહી હતી પરંતુ બાદમાં ગાંધીધામ રેલવે મથકે ટ્રેન પહોંચતા તેને ત્યજી દઈને આ મહિલા નાસી ગઈ હોવાનું રેલવે પી.એસ.આઈ. જે.બી. કુરેશીએ જણાવ્યું હતું.