ગાંધીધામમાં ઘરકંકાસમાં પરીણીતાને ઝેરી દવા પીવડાવતાં મોત
ગાંધીધામમાં મહિલાને શખ્સે બળજબરીપૂર્વક કીટનાશક દવા પીવડાવી દેતાં મહિલાનું મોત નીપજયું હતું. ગાંધીધામના કાર્ગો પીએસએલ વિસ્તારમાં રહેનારા રાનીદેવી નામના મહિલા ગત તા. 24/6ના રાત્રે 9.15ના અરસામાં બનાવનો ભોગ બન્યા હતા. ગંભીર હાલતમાં તેમને સારવાર અર્થે આદિપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમણે ફરજ પરના તબીબને ઘરકંકાસના કારણે તેમની નાની બહેનના પતિ રાજુ મંડલે તેમને બળજબરીપૂર્વક કીટનાશક ઝેરી દવાની ગોળી પીવડાવી દીધી હોવાનું કહ્યું હતું. 12 વર્ષનો લગ્નગાળો ધરાવનારા આ મહિલાને વધુ સારવારની જરૂરિયાત જણાતાં તેમને ભુજની જિલ્લા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ મહિલા ભુજમાં સારવારમાં હતા, તે દરમ્યાન તા. 25/6ના રાત્રિના ભાગે તેમણે દમ તોડી દેતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે તપાસ કરનારા પી.એસ.આઈ. બી.બી. રાણાનો સંપર્ક કરતાં ભોગ બનનાર મહિલા બેભાન હતા ને તેમનું મોત નીપજયું હતું . રાજુ મંડલે તેમને દવા પીવડાવી છે કે નહીં તેની તપાસ ચાલુ હોવાનું તેમણે ઉમેર્યું હતું.