ખારીરોહરમાં કરિયાણાના ગોડાઉનમાં ચોરીના મામલે ચાર શખ્સો પકડાયા
ખારીરોહરમાં કરિયાણાની દુકાનના ગોડાઉનમાંથી ગત શનિવારે રાત્રિના તસ્કરોએ શટર ઉંચકાવીને રૂ.૨.૯૫ લાખની કિંમતની મસૂરની ૯૦ બોરી ચોરી મામલે પોલીસે ચાર શખ્સોને પકડી પાડી ૧૦૦ ટકા મુદ્દામાલની રિકવરી કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીધામના ખારીરોહર પાસે આવેલ શાંતિલાલ ગોડાઉનની બાજુના ગોવિંદ ટ્રેડર્સ ગોડાઉનના ગત તા.૨૨ની રાત્રિના તસ્કરોએ શટર ઉચકાવીને ગોડાઉનમાંથી રૂ.૨,૯૫,૪૭૦ની કિંમતની મસૂરની ૯૦ બોરીની ચોરી કરી ગયાની ફરિયાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં નોંધાવી હતી. ચોરીનો ભેદ ઉકેલવા માટે પી.આઈ.એમ.ડી.ચૌધરી તેમજ પી.એસ.આઈ. કે.જે. વાઢેર અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સથી મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ખારીરોહરના સરફરાજ હનીફ કાતિયાર, જાકુબ ઉર્ફે જાકીર ઉર્ફે જેકી ઈબાહીમ બુચડ, હનીફ હારૂન ટાંક અને કાદર નુરમામદ પરીટને ઝડપી લીધા હતા. પોલીસે આગવી શૈલીમાં તેઓની પૂછપરછ કરતાં ચારેય શખ્સોએ ચોરીની કબૂલાત કરવાની સાથે ચોરી કરેલો તમામ મુદ્દામાલ પોલીસને સોપી આપ્યો હતો. પોલીસે ચોરીમાં ઉપયોગમાં લેવાયેલું બાઈક તેમજ રૂ.૨,૯૫,૪૭૦ની કિંમતની મસૂરની દાળની ૯૦ બોરી મળી કુલ રૂ.૩,૧૦,૪૭૦નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. અત્રે એ નોંધનીય છે કે, પકડાયેલા ચાર તસ્કરોમાંથી ત્રણ રીઢા ગુનેગારો હોઈ જેમાં સરફરાજ હનીફ કાતિયાર, જાકુબ ઉર્ફે જાકીર ઉર્ફે જેકી ઈબાહીમ, કાદર નુરમામદ પરીટ વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન તેમજ કંડલા મરીન પોલીસમાં ગુનાઓ નોંધાયેલા છે.