મુન્દ્રામાં ઘરફોડ ચોરી કરનારા બે ઇસમોને દોઢ મહિને ઝડપી લેવાયા
copy image

મુન્દ્રાના રહેણાક મકાનમાંથી દોઢ મહિના પહેલાં તસ્કરોએ તાળા તોડી બેડરૂમની તિજોરીમાંથી રૂ.૩.૬૫ લાખના દાગીના સહિતની મુદ્દામાલ ચોરી કરવાના ગુનામાં પોલીસે સાનિયા સોસાયટીના બે સગાભાઈઓને ઝડપી લઈ રૂ.૨.૨૨લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રાના રહેણાક મકાનમાંથી દોઢ મહિના પહેલા તસ્કરોએ તાળા તોડી તિજોરીમાંથી રૂ.૩.૬૫ લાખની કિંમતના દાગીના, રોકડ, મોબાઈલ સહિતની મુદ્દામાલની ચોરી કરી હતી. ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા માટે એલસીબીની કાર્યવાહી દરમ્યાન આરોપીઓ દ્વારા ચોરી કરેલો મોબાઈલ ચાલુ કરાતાં તે અંગેની જાણકારી મળતાં એલસીબીએ તાત્કાલિક મુન્દ્રાના પી.આઈ. જે.વી. ધોળાને વાકેફ કરાયા હતા. આથી મુન્દ્રાના ડી-સ્ટાફને મુન્દ્રાની સાનિયા સોસાયટીમાં રહેતા અરવિંદ પરબતભાઈ કોલી (ઉ.વ.૨૨) અને રમેશ ઉર્ફે ગરીબ પરબતભાઈ કોલી (ઉ.વ.૨૪) નામના ભાઈઓ તેમના પરિવાર સાથે અંજારમાં ભાડાના મકાનમાં રહેતા હોવાની બાતમી મળતાં પોલીસે તાત્કાલિક વર્કઆઉટ કરી બાતમીવાળા સ્થળ પરથી બંને સગાભાઈઓને દબોચી લીધા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેઓએ ગુનાની કબૂલાત કરતાં પોલીસે સોના ચાંદીના દાગીના, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ.૨.૨ ૨લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંને સગાભાઈઓની પૂછપરછ કરવા માટે રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી હતી.