ગાંધીધામમાં ઇન્સ્ટા.માં સીન સપાટા કરનારા ત્રણ વિરૂદ્ધ ગુનો નોંધાયો

copy image

copy image

ગાંધીધામના ઓસિયા મોલ પાસે ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે પિસ્તોલ જેવા હથિયાર સાથે રીલ બનાવનારા ત્રણ શખ્સોને એલસીબી દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ પી.આઈ. એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળની ટીમ હથિયાર બંધી જાહેરનામાંના કેસો શોધવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમ્યાન કેટલાક દિવસો પહેલાં ઓસિયા મોલ પાસે ત્રણ શખ્સોએ એક વિડિયો બનાવીને સોશ્યલ મિડિયામાં વાયરલ કર્યો હતો જે વિડિયોમાં એક શખ્સ  સામેથી આવતા શખ્સ સાથે અથડાય છે અને ત્યારબાદ પોતાનું શર્ટ ઉંચું કરીને પિસ્તોલ જેવું લાગતું હથિયાર બતાવે છે. આ વિડિયોની ખરાઈ કરવા માટે આ ત્રણેય શખ્સોને શોધવા માટે એલસીબીની ટીમ પ્રયાસરત હતી. આ દરમ્યાન ત્રણેય શખ્સો ઓસિયા મોલની પાછળના ભાગે આવેલા ખુલ્લા મેદાનમાંથી મળી આવ્યા હતા. તેમની પુછપરછ કરતાં ત્રણેય જણા મોજશોખ માટે વિડિયો બનાવીને વાયરલ કરતા હોવાનું કબુલ્યું હતું. ત્રણેય શખ્સોની તપાસ  કરતાં તેમની પાસેથી છરીઓ મળી આવી હતી. જે પણ કબજે કરવામાં આવી હતી. આરોપીઓમાં કિડાણાના શબ્બીર ગફુરભાઈ ચાવડા, ગાંધીધામના પારસ રમેશભાઈ મકવાણા તેમજ પડાણાના જાવેદ મુસાભાઈ સુણાનો સમાવેશ થાય છે.