ફતેહગઢ કે.ડી.સી.સી બેન્કના મેનેજરે 67 લાખની ઉચાપત કરી

copy image

copy image

ભચાઉ તાલુકાના ફતેહગઢ ગામની કે.ડી.સી.સી. બેન્કના મેનેજર પૈસા ઉપાડી ફરાર થઈ જવાના મામલે  રાપર પોલીસ  મથકે ફરિયાદ નોંધાઈ હતી . જો કે, આરોપી મેનેજરે કરેલી ઠગાઈનો આંકડો વધુ હોવાનું બહાર આવ્યું હતું . પ્રાપ્ત માહિતી  મુજબ આ મામલે રાપર કે.ડી.સી.સી. બેન્કના મેનેજર નરેશ પચાણભાઈ માલીએ આરોપી પ્રવીણ ભાણાભાઈ સોઢા સામે  છેતરપિંડી સહિતની કલમો હેઠળ  ફરિયાદ નોંધાવી હતી . આરોપી શાખા મેનેજર તાજેતરમાં 28 લાખની રકમ  ઉપાડીને  ફરાર  થઈ ગયો હોવાનો બનાવ બન્યો હતો. મેનેજરે લખેલી ચીઠ્ઠીના આધારે સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જે-તે સમયે મેનેજર દ્વારા 28 લાખની ઉચાપત કરાઈ હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ મેનેજરે કુલ 67 લાખની ઉચાપત કરી  હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. આરોપીએ લખેલી ચીઠ્ઠીમાં જ આ કબૂલાત કરી હતી અને તેમાં સ્ટાફનો કોઈ વાંક ન હોવાનું લખ્યું હતું. આરોપીએ સરપ્રાઈઝ ચેકિંગના બહાને મહિલા કર્મચારી પાસેથી તિજોરીની ચાવી માગી હતી. કાગળમાં જણાવ્યા પ્રમાણે આરોપીએ 26 જૂન-2024ના બચત ખાતામાંથી 39 લાખની ઉચાપત કરી હતી, જે સિન્ડી ક્રેડિટર્સ ખાતે બેચ બનાવીને જમા આપ્યા હતા અને 28 લાખ કેસ ઓછી હોવાનું જણાવ્યું હતું. કુલ 67 લાખ સટ્ટા બજારમાં ઓનલાઈન હારી ગયો હોવાનું આરોપીએ પત્રમાં જણાવ્યું હતું. આરોપીએ બન્ને બહેનના યુઝર આઈ.ડી.નો તેમની જાણ બહાર ઉપયોગ કર્યો હોવાનું લખ્યું હતું. બેન્કમાં રોકડ રકમની તપાસ કરતાં 28 લાખ ઓછા જણાયા હતા. બેન્કના સત્તાધીશોએ આરોપીની શોધખોળ કરી હતી, પરંતુ તેના કોઈ સગડ મળ્યા નથી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી .