અંજાર-આદિપુરમાં અંગ્રેજી દારૂ સાથે બે ઝડપયા

copy image

copy image

અંજાર અને આદિપુર પોલીસે દારૂ અંગે કાર્યવાહી કરી બે શખ્સને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રૂા. 35,300નો દારૂ જપ્ત  કરવામાં આવ્યો હતો. અંજારના રામકૃષ્ણ મહાવીરનગર વિસ્તારમાં રામેશ્વર મહાદેવનાં મંદિર  નજીક મકાન નંબર 68માં રહેનાર ધ્રુવ ભટ્ટ નામનો શખ્સ પોતાના કબજાના મકાનમાં દારૂ વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.  મકાનમાંથી ધ્રુવ દિનેશ ભટ્ટની પોલીસે અટક કરી ઘરની તપાસ દરમિયાન  સીડી  ઉપરથી દારૂ શોધી કાઢ્યો હતો. અહીંથી સિગ્નેચર 750 મિ.લિ.ની 20, એન્ટીકયુટીની 750 મિ.લિ.ની આઠ, મેજિક મોમેન્ટની 750 મિ.લિ.ની 10 એમ કુલ 38 બોટલ કિંમત રૂા. 29,900નો શરાબ કબ્જે  કરવામાં આવ્યો હતો. તેને  આ માલ અંજારનો  જ સુનીલ બારોટ નામનો શખ્સ આપી ગયો હતો. હાથમાં ન આવેલા સુનીલને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. બીજી તરફ  આદિપુરના પ્રભુદર્શન હોલ નજીક પોલીસે કાર્યવાહી કરી હતી. અહીંથી  પસાર થનાર  એક્ટિવાને રોકાવી તેની ડેકીની તપાસ  લેવામાં આવી હતી.  તેમાં દારૂ નીકળતાં વાહનચાલક  ઉલ્લાસ પ્રવીણ  વાંજાની  અટક કરવામાં આવી હતી.  આ વાહનમાંથી બ્લેક એન્ડ વ્યાઇટની  એક, ટીચર્સ હાઇલેન્ડ 750 મિ.લિ.ની  બે એમ  ત્રણ  બોટલ  કિંમત રૂા. 5400નો શરાબ જપ્ત  કરાયો હતો. ફોર મિલિટરી પર્સનલ ઓન્લી  તથા ડિફેન્સ પર્સનલ  ઓન્લીના  માર્કાવાળી આ ત્રણ બોટલ ઉલ્લાસ ક્યાંથી અને કોની પાસેથી લઇ આવ્યો હતો અને કોને આપવાનો હતો તે પોલીસ ઓકાવી શકી નહોતી. ખરેખર ડિફેન્સનો માલ તેની પાસે ક્યાંથી આવ્યો હતો તેની નીતિમત્તા અને તટસ્થતાથી તપાસ હાથ ધરાય તો અનેકના પગ નીચે રેલો આવે તેમ છે, પરંતુ આવું કાંઇ થતું નથી તેવું સૂત્રો દ્વારા જણાવ્યું હતું.