સિનુગ્રામાં પથ્થરનો ઘા મારી શ્રમિકની હત્યા નિપજાવી

copy image

copy image

અંજાર તાલુકાના સિનુગ્રા ગામની સીમમાં છેલ્લા છ એક મહિનાથી શ્રમિકો વચ્ચે ચાલતા ઝઘડાનો ચકચારી અંત આવ્યો હતો. બે મજૂરોએ મળીને પોતાના સાથીદાર મજૂર એવા ચરકુનાગ નામના યુવાન ઉપર પથ્થર વડે હુમલો  કરી તેનું ઢીમ ઢાળી નાખ્યું હતું. હત્યાના આ બનાવમાં આરોપીઓને રાઉન્ડઅપ કરી લેવાયા હતા. અંજારની ખારી  વાડી વિસ્તારમાં રહેનાર ફરિયાદી જતીન હીરજી સોરઠિયા અંજાર તાલુકાના સિનુગ્રા ગામની સીમમાં ભાગ્યલક્ષ્મી  ઇન્ફ્રા પ્રોજેક્ટ નામથી પથ્થર ક્રસરનું  કામ કરે છે. આ ભેડિયા ઉપર દસેક શ્રમિકો કામ કરે છે.  શ્રમિકોને રહેવા માટે અહીં ઓરડીઓ બનાવી આપવામાં આવી છે. ફરિયાદી જતીન સોરઠિયા પોતાના આ ભેડિયા ઉપર  સાંજના અરસા  સુધી રહ્યા બાદ પોતાના ઘરે જતા રહ્યા હતા. તે ઘરે હતા ત્યારે અન્ય શ્રમિક લાલ દેવએ ફોન કરી ચરકુનાગને  ભીમસિંગ તથા સાગર ઉર્ફે બહેરાએ માથામાં પથ્થર મારતા તેને લોહી નીકળે છે તેવું જણાવતા ફરિયાદી ત્યાં પહોંચ્યા  હતા. આ પ્રોજેક્ટની સામેના ભાગે ખુલ્લી જગ્યામાં ચરકુનાગ જમીન ઉપર બેભાન પડયો હતો અને માથામાંથી લોહી નીકળતું હતું. ત્યાં હાજર અન્ય શ્રમિકોએ જણાવ્યું હતું કે, ચરકુનાગ સાથે ભીમસિંગ અને સાગર ઉર્ફે બહેરા સાથે બનતું ન હતું. છેલ્લા છએક મહિનાથી ત્રણેય વચ્ચે જુદી જુદી બાબતે ઝગડા  થતા હતા. દરમ્યાન  સાંજના  સાતેક વાગ્યાના અરસામાં  ચરકુનાગ પ્રોજેક્ટ બહાર ગયો હતો. ત્યારે ભીમસિંગ અને બહેરા તેની પાછળ ગયા હતા. બાદમાં ત્રણેય વચ્ચે જોર જોરથી બોલાચાલી થઇ હતી અને ઉશ્કેરાયેલા આરોપીઓએ શ્રમિક યુવાનને નીચે પાડી દીધો હતો. ભીમસીંગે તેને પકડી રાખ્યો હતો અને સાગર ઉર્ફે બહેરાએ નજીકમાં પડેલો મોટો પથ્થર ઉપાડી ચરકુનાગના માથામાં માર્યો હતો, તેવામાં અન્ય શ્રમિકોએ રાડા રાડ કરતાં બંને આરોપી નાસવા લાગ્યા હતા, જેમાં સાગર દોડતા દોડતા પડી ગયો હતો અને પાછો ઊભો થઇને નાસી ગયો હતો. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઇ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ પ્રકાશમાં આવતા પોલીસે દોડધામ આદરી હતી અને બંને આરોપીઓને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.