દુષ્કર્મના કેસમાં માનકૂવાના આરોપીને 20 વર્ષની સખત કેદ
copy image

માનકૂવાથી સાડા ત્રણેક વર્ષ પૂર્વે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડીને પોતાના ઘર બાજુ વાડીમાં લઇ જઇ ત્રણ દિવસ સુધી રાખી દુષ્કર્મ ગુજાર્યાના આ બનાવમાં સ્પે. પોકસો કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપી આરોપી અરવિંદ ઉર્ફે લાલજી બટુક કોલી (રહે. માનકૂવા)ને 20 વર્ષની સખત કેદની સજા તથા રૂા. ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં 18 દસ્તાવેજી પુરાવા તથા 13 સાક્ષીને તપાસ્યા હતા. આરોપી અરવિંદ કોલીને કલમ 376 (2) (એન) એટલે દુષ્કર્મના ગુનામાં તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખત કેદ તથા રૂા. એક લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ વર્ષની કેદ ઉપરાંત આરોપી પોકસોની કલમ 5 (એલ) તથા 6 મુજબ દોષી માની 20 વર્ષની સખત કેદ અને રૂા. બે લાખ દંડ અને જો દંડ ભરવામાં કસૂર કરે તો વધુ ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારનો હુકમ ભુજની સ્પે. (પોકસો) કોર્ટના જજે આપ્યો હતો. આ કેસની ટૂંક વિગતો મુજબ ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી અરવિંદ કોલી (રહે. માનકૂવા) લગ્નની લાલચ આપી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી તા. 25-2-21ના આરોપી સગીરાને માનકૂવાથી મોટર સાઇકલમાં બેસાડી પોતાના ઘર બાજુ લઇ ગયો હતો અને ત્યાં વાડીમાં ત્રણ દિવસ સગીરાને રાખી તેની મરજી વિરુદ્ધ બે વાર આરોપીએ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ ગઢશીશા પોલીસ મથકે જે-તે સમયે નોંધાયા બાદ આ કેસની ચાર્જસીટ દાખલ થતા ભુજની સ્પે. (પોકસો) કોર્ટમાં ચાલી જતાં ધાક બેસાડતો ચુકાદો આવ્યો હતો . આ કામે ફરિયાદ પક્ષે પોકસો એકટના ખાસ સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજર રહી સાક્ષી તપાસી અને દલીલો કરી હતી.