ગાંધીધામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી ફાંસો ખાઈ આપઘાત કર્યો
ગાંધીધામના ભારત નગરમાં રહેતા એક યુવાને આદિપુરના વ્યાજખોર પાસેથી લીધેલા રૂપિયા એક લાખ પરત ચૂકવી આપ્યા પછી પણ વ્યાજખોર દ્વારા વધુ અડધાલાખની રકમની માગણી કરી અવાર નવાર ધાકધમકી આપી યુવાનને તેમજ તેના ભાગીદારને બોલાવી માર મારી ધમકી આપતાં યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીધામના ભારત નગરમાં વાલ્મીકિ સોસાયટી, મેઈન બજારમાં રહેતી અને સાડી સેન્ટરનો વ્યવસાય કરતી મિનલબેન ભાવિનભાઈ ઠક્કર નામની ૩૩ વર્ષીય મહિલાએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ તેમના પતિ ભાવિનભાઈ કીર્તિભાઈ ઠક્કર શ્રી શિવ ક્રેડિટ કો. સોસાયટી લિ. નામની સહકારી મંડળી ભાગીદાર પ્રભુભાઈ પ્રજાપતિ સાથે ચલાવતા હતા તેઓ વેપારીઓ પાસેથી ડોર ટુ ડોર નાની રકમની ઉઘરાણી કરી વ્યવસાય ચલાવતા હતા. દરમ્યાન કોરોનાના સમયગાળામાં મિનલબેન બીમાર પડતાં રૂપિયાની જરુરિયાત હોવાથી આદિપુરના મયંક ગઢવી પાસેથી રૂપિયા લીધા હતા. જે તમામ રકમ પરત ચુકવી આપી હતી. તેમ છતાં વ્યાજખોર મયંક ગઢવીએ વધુ રકમની માગણી કરી પઠાણી ઉઘરાણી અવિરત રાખી, ધાકધમકીઓ આપતો હોઈ તેમજ ભાવિન અને તેના ભાગીદારને બોલાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમ્યાન ભાવિનભાઈએ વ્યાજખોરના અસહ્ય ત્રાસથી કંટાળી જઈ ઘરે આવી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.