ચિયાસરમાં દબાણનો વાંધો ઉઠાવતાં યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો
અબડાસા તાલુકાના ચિયાસર ગામના ચબૂતરા પાસે રોડ પર કોઠારા ગામના શખ્સ સિમેન્ટના બ્લોક બનાવવાની ફેક્ટરી નાખી ગેરકાયદેસર રીતે દબાણ કરતાં ચિયાસરના યુવાને દબાણ દૂર કરવાની લગત વિભાગોમાં અરજીઓ કરતાં તે મનદુ:ખના કારણે ચાર શખ્સોએ જાતિ અપમાનિત કરી, ગાળો આપી લાકડીઓ વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કોઠારા પોલીસમાં નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ અબડાસા તાલુકાના ચિયાસર ગામે રહેતા અને ખેતીકામ કરતાં દિનેશભાઈ રમેશભાઈ મહેશ્વરી (અ.જાતિ) નામના ૩૦ વર્ષના યુવાને તે ગામના ચબૂતરા પાસે કોઠારા ગામના અમીન મિંયાજીએ સિમેન્ટના બ્લોક બનાવવાની ફેક્ટરી નાખી ગેરકાયદેસર દબાણ કરતાં તે દબાણ દૂર કરવા માટે લગત અધિકારીઓને અરજી કરી હતી, જે બાબતે અમીન મિંયાજીએ મનદુઃખ રાખ્યું હતું. દિનેશભાઈ મંગળવારે સાંજના અરસામાં તે ગામના ચબૂતરા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઠારાના અમીન મિંયાજી અને ચિયાસરના અબ્દુલ ઈબ્રાહીમ મિંયાજી, સાજીદ અબ્દુલ મિંયાજી અને અલ્તાફ અબ્દુલ મિંયાજીએ એકસંપ થઈ લાકડી વડે હુમલો કર્યો હતો. બાદમાં જાતિ અપમાનિત કરી, ગાળો ભાંડી ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કોઠારા પોલીસમાં નોંધાવતાં પોલીસે ગુનો નોંધી એસ.સી.એસ.ટી. સેલના નાયબ પોલીસ અધીક્ષક એમ.જે.કિશ્ચયન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.